મખમલી અવાજથી સંગીત જગતમાં જાદુ પાથરનાર અને ૧૯૭૦ના દાયકાની જાણીતી અભિનેત્રી સુલક્ષણા પંડિત નું ૭૧ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. ગુરુવાર, ૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાનું કહેવાય છે. તેમના નિધનના સમાચારથી હિન્દી સિનેમા અને સંગીત જગતના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે, જેઓ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સુલક્ષણા પંડિતે પોતાની અભિનય અને ગાયકી દ્વારા ભારતીય સિનેમા પર એક અમીટ છાપ છોડી છે.
સુલક્ષણા પંડિતનો જન્મ એક પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાં થયો હતો. મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજ તેમના કાકા હતા, અને તેમના ભાઈઓ જતિન-લલિત પણ જાણીતા સંગીતકાર છે. તેમણે માત્ર ૯ વર્ષની ઉંમરથી સંગીતની સાધના શરૂ કરી દીધી હતી. ૧૯૭૫માં આવેલી ફિલ્મ ‘સંકલ્પ’માં તેમણે ગાયેલા ગીત ‘તૂ હી સાગર હૈ તૂ હી કિનારા’ માટે તેમને ફિલ્મફેર બેસ્ટ ફિમેલ પ્લેબેક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. માત્ર ગાયિકા તરીકે જ નહીં, પણ તેમણે ૧૯૭૫માં સંજીવ કુમાર સાથે ફિલ્મ ‘ઉલઝન’ દ્વારા અભિનેત્રી તરીકે પણ પોતાની કારકિર્દી શરૂ કરી અને જીતેન્દ્ર, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના જેવા ઘણા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું.
જોકે, તેમનું અંગત જીવન અને કારકિર્દીના અંતિમ વર્ષો પડકારજનક રહ્યા હતા. એક્ટર સંજીવ કુમાર પ્રત્યેના તેમના એકતરફી પ્રેમ વિશે ઘણી ચર્ચા હતી. સંજીવ કુમારે લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવ્યા બાદ તેમણે જીવનભર અપરિણીત રહેવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં, તેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેમાં બાથરૂમમાં પડી જવાના કારણે થયેલી હિપની ઈજા માટે ચાર સર્જરી પણ સામેલ છે. આ કારણે તેઓ જાહેર જીવનથી દૂર થઈ ગયા હતા અને અંતિમ વર્ષોમાં તેઓ પોતાની બહેન વિજેતા પંડિત સાથે રહેતા હતા. સુલક્ષણા પંડિતનું નિધન ભારતીય સંગીત અને ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી ખોટ છે.
આ પણ વાંચો: Police Station Mein Bhoot નો ફર્સ્ટ લુક રિલીઝ,મનોજ બાજપેયી સાથે આ હિરોઇન જોવા મળશે

