યમન ના હુથી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે અમેરિકી હવાઈ હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 74 થઈ ગઈ છે, જ્યારે 171 લોકો ઘાયલ થયા છે. આ હુમલા દેશના એક ઓઇલ પોર્ટને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. એસોસિએટેડ પ્રેસ (એપી)ના અહેવાલ મુજબ, હુથી વિદ્રોહીઓએ જાહેર નિવેદનમાં આ માહિતી આપી હતી. જો કે આ દાવાની હજુ સુધી અમેરિકી સેના દ્વારા પુષ્ટિ કરવામાં આવી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી સેનાએ યમનના મુખ્ય રાસ ઈસા પોર્ટ પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, આ હુમલાઓનો ઉદ્દેશ્ય હુથી બળવાખોરોની આર્થિક ક્ષમતાઓને નબળી પાડવાનો હતો.સેન્ટકોમે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હુથી બળવાખોરો તેમની લશ્કરી કામગીરીને ટકાવી રાખવા, નિયંત્રણ સ્થાપિત કરવા અને આયાતમાંથી નફો મેળવવા માટે બળતણનો ઉપયોગ કરે છે. આ બળતણ યમનના લોકો સુધી કાયદેસર રીતે પહોંચવું જોઈએ.