રાજસ્થાનની રાજધાની જયપુરના ડુડુમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જયપુર-અજમેર હાઇવે પર મોખમપુરા વિસ્તારમાં રોડવેઝની બસ તેનું ટાયર ફાટતાં કાબૂ બહાર નીકળી ગઈ હતી અને કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે અને 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના ગુરુવારે બપોરે લગભગ 3.45 કલાકે બની હતી.
રોડવેઝની બસ જયપુરથી અજમેર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક બસનું ટાયર ફાટ્યું. ટાયર ફાટ્યા બાદ બસ સંપૂર્ણપણે કાબુ બહાર નીકળી ગઈ હતી અને રોડની બાજુમાં મુસાફરી કરી રહેલી કારને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકસાન થયું હતું. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.