ઓસ્ટ્રેલિયાએ ભારતના ગુજરાત સહિત 6 રાજ્યના વિધાર્થીઓના વિઝા પર લગાવ્યો પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા નિયમો
 ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા નિયમો  – અમેરિકા અને કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયાએ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના વિઝા નિયમોમાં કડકાઈ લાવી છે. ખાસ કરીને ભારતના ગુજરાત, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ માટે આ બદલાયેલા નિયમો ભારે પડી શકે છે.આ પગલાંથી હજારો એવા ભારતીય વિદ્યાર્થીઓને આઘાત પહોંચ્યો છે, જેઓ ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોઈ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન વિભાગ અને યુનિવર્સિટીઓએ જણાવ્યું છે કે આ રાજ્યોમાંથી આવતી અરજીઓમાં છેતરપિંડી અને નકલી દસ્તાવેજોના કેસો વધી રહ્યા છે, જેના પરિણામે કડક પગલાં લેવામાં આવ્યા છે.

વિઝાનો દુરુપયોગ અને કડક તપાસ
ઓસ્ટ્રેલિયા સ્ટુડન્ટ વિઝા નિયમો- ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉપરોક્ત રાજ્યોમાંથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસના હેતુથી નહીં, પરંતુ કાયમી નિવાસ (Permanent Residency) મેળવવાના હેતુથી વિઝા માટે અરજી કરે છે. આવા અરજદારો વિઝાનો દુરુપયોગ કરી રહ્યા છે, જે શૈક્ષણિક સંસ્થાઓની પ્રતિષ્ઠા માટે જોખમરૂપ છે.આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે યુનિવર્સિટીઓ અને ઇમિગ્રેશન વિભાગે સંયુક્ત રીતે વધુ કડક તપાસ અને ચકાસણીની પ્રક્રિયા અમલમાં મૂકી છે.

કઈ યુનિવર્સિટીઓએ લીધા પગલાં?
વિક્ટોરિયા યુનિવર્સિટી, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઑફ વોલોન્ગોંગ અને ટોરેન્સ યુનિવર્સિટી સહિત અનેક અગ્રણી સંસ્થાઓએ આ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે અસ્થાયી પ્રતિબંધ મૂક્યો છે અથવા અતિ કડક શરતો લાગુ કરી છે.

ફેબ્રુઆરી 2023માં એડિથ કોવાન યુનિવર્સિટીએ પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓ માટે વિઝા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. યુનિવર્સિટીઓનું કહેવું છે કે તેઓ ફક્ત એવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે, જેઓ સાચા અર્થમાં અભ્યાસ માટે પ્રતિબદ્ધ હોય, ન કે રોજગાર કે ઇમિગ્રેશનના હેતુથી આવતા હોય.

ભારત સ્ટુડન્ટ વિઝાના ક્ષેત્રમાં આગળ
ફેબ્રુઆરી 2025ના ડેટા મુજબ, ભારતે ચીનને પાછળ છોડી ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝાના સૌથી મોટા સ્ત્રોત દેશ તરીકે સ્થાન મેળવ્યું છે. ફક્ત ફેબ્રુઆરી મહિનામાં 2,734 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા મંજૂર થયા હતા.તો પણ, નવા નિયમો ખાસ કરીને ગુજરાત, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોના વિદ્યાર્થીઓ માટે વિદેશ ભણવાનું સપનું મુશ્કેલ બનાવી શકે છે.

વિશ્વભરમાં કડકાઈનો દોર
આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે, જ્યારે અમેરિકા અને કેનેડાએ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમો કડક કર્યા છે. અમેરિકામાં હવે ભારતીય વિદ્યાર્થીઓના વિઝા અસ્વીકાર દર 24% સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા દાયકામાં સૌથી વધુ છે. કેનેડામાં પણ, કોવિડ પછી વધી ગયેલા વિદેશી વિદ્યાર્થીઓના પ્રવાહને નિયંત્રિત કરવા માટે નવી નીતિઓ અમલમાં મુકાઈ છે.ઓસ્ટ્રેલિયાના તાજેતરના પગલાંના કારણે હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે વિદેશમાં શિક્ષણ મેળવવું પહેલાં કરતા વધુ પડકારજનક બની ગયું છે.

આ પણ વાંચો –  પોપ ફ્રાન્સિસનું 88 વર્ષની વયે અવસાન, વેટિકે સમાચારની પુષ્ટિ કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *