દિલ્હી હાઈકોર્ટે યોગ ગુરુ બાબા રામદેવના હમદર્દ લેબોરેટરીઝના લોકપ્રિય શરબત ‘રૂહ અફઝા’ વિરુદ્ધ કરેલા ‘શરબત જેહાદ’ નિવેદન પર તીખી નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અમિત બંસલની બેન્ચે આ ટિપ્પણીને ‘કોર્ટના અંતરાત્માને હચમચાવનારી’ અને ‘સંપૂર્ણપણે અક્ષમ્ય’ ગણાવી. કોર્ટે રામદેવના વકીલોને આ મામલે જવાબ આપવા 5 દિવસમાં એફિડેવિટ દાખલ કરવા આદેશ આપ્યો છે, સાથે જ ભવિષ્યમાં આવા નિવેદનો ન આપવાની ચેતવણી આપી છે. આગામી સુનાવણી 1 મે, 2025ના રોજ નિર્ધારિત થઈ છે.
3 એપ્રિલ, 2025ના રોજ, બાબા રામદેવે પતંજલિના ગુલાબ શરબતના પ્રચાર દરમિયાન એક વીડિયોમાં ‘શરબત જેહાદ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે એક કંપની (જેનો સીધો ઉલ્લેખ ન કર્યો, પરંતુ હમદર્દના રૂહ અફઝા તરીકે ગણવામાં આવે છે) તેની કમાણીનો ઉપયોગ મસ્જિદો અને મદરેસાઓ બનાવવા માટે કરે છે. આ વીડિયો પતંજલિ પ્રોડક્ટ્સના ફેસબુક પેજ પર શેર થયો, જેમાં સોફ્ટ ડ્રિંક્સને ‘ટોયલેટ ક્લીનર’ સાથે સરખાવીને પતંજલિ શરબતને વધુ સારો વિકલ્પ ગણાવાયો.
હમદર્દ લેબોરેટરીઝે આ નિવેદનને બ્રાન્ડની માનહાનિ અને સાંપ્રદાયિક વિભાજન પેદા કરનારું ગણાવી દિલ્હી હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો. હમદર્દના વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં જણાવ્યું કે રામદેવે ધર્મના આધારે હમદર્દ અને તેના માલિકો પર હુમલો કર્યો, જે હેટ સ્પીચની શ્રેણીમાં આવે છે. રોહતગીએ એમ પણ કહ્યું કે રામદેવે આવું જ નિવેદન હિમાલયા કંપની વિરુદ્ધ પણ કર્યું, જેના માલિક મુસ્લિમ છે.