પહેલગામ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતીઓના મોત

પહેલગામ આતંકી હુમલો-  જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલામાં 25થી વધુ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ગુજરાતના ત્રણ નાગરિકોનો પણ સમાવેશ થાય છે. આ હુમલામાં ભાવનગરના યતીશભાઈ સુધીરભાઈ પરમાર (45) અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમાર (17) તેમજ સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયાનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.

ભાવનગરના પિતા-પુત્રનું મોત, પરિવારમાં શોક

પહેલગામ આતંકી હુમલો- ભાવનગરના 20 લોકોનું એક જૂથ જમ્મુ-કાશ્મીર ફરવા ગયું હતું, જેમાં યતીશભાઈ અને તેમના પુત્ર સ્મિતનું આ હુમલામાં મોત થયું. યતીશભાઈની પત્ની સહીસલામત મળી આવ્યા છે. યતીશભાઈ હેર સલૂન ચલાવતા હતા, જ્યારે સ્મિત 11મા ધોરણમાં અભ્યાસ કરતો હતો. આ ઘટનાથી ભાવનગરમાં શોકનો માહોલ છવાયો છે. બંનેના મૃતદેહને વતન લાવીને અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

જન્મદિવસની ઉજવણી બની દુ:ખદ ઘટના
સુરતના શૈલેષભાઈ કળથિયા, જે મૂળ અમરેલીના વતની હતા અને હાલ મુંબઈમાં રહેતા હતા, તેમણે પરિવાર સાથે કાશ્મીરમાં જન્મદિવસની ઉજવણી માટે પ્રવાસનું આયોજન કર્યું હતું. પરિવાર કુદરતની સુંદરતા નિહાળી રહ્યો હતો ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો, જેમાં શૈલેષભાઈને ગોળી વાગતાં તેમનું મોત થયું. આ ઘટના તેમના જન્મદિવસના એક દિવસ પહેલાં બની, જેનાથી તેમનો પરિવાર હતભ્રત થઈ ગયો. શૈલેષભાઈના મૃતદેહને સુરત લાવીને અંતિમવિધિ કરવામાં આવશે.

સરકારનું નિવેદન
ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સંપર્કમાં છે અને આતંકી હુમલા અંગે માહિતી મેળવી રહી છે. તેમણે ખાતરી આપી કે ગુજરાતીઓને સહીસલામત વતન લાવવામાં આવશે.
આ ઘટનાએ સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાવી છે, અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *