પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ – જમ્મુ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પહેલગામમાં મંગળવારે આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં 27 લોકોના મોત થયા હતા, આ આતંકવાદી ઘટનાને લઇને સમગ્ર દેશ હચમચી ગયો છે.દેશભરના લોકો આતંકવાદી ઘટનામાં શહીદ થયેલા લોકોને શ્રદ્વાંજલિ આપી રહ્યા છે. અમદાવાદમાં વેપારી મહા સંગઠન દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું આ એલાનમાં મુસ્લિમો સ્વયંભૂ દુકાનો બંધ પાળીને રેલીમાં જોડાયા હતા.
પહેલગામ હુમલા વિરુદ્ધ એકતાનો સંદેશ– આજ રોજ કાલુપુર વેપારી મહા સંગઠન દ્વારા પહેલગામમાં બનેલ આંતકવાદીની ઘટના વિરુદ્ધમાં કાલુપુરના બજારો બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યુ હતું અને બપોરે ૪-૦૦ કલાકે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ વેપારીભાઈઓ સાથે સ્વયંભૂ કાલુપુર દરિયાપુર વિસ્તારના મુસ્લિમ સમાજના લોકોએ પણ બજારો બંધ રાખી હિન્દુ મુસ્લિમ એકતા અને રાષ્ટ્રવાદનો સંદેશ આપ્યો હતો.
વેપારી મહાજનની રેલી જયારે મુસ્લિમ વિસ્તારમાં આવી ત્યારે ભરઉનાળો હોવાથી તેમને પાણીની બોટલો તેમજ લીંબુ શરબત દ્વારા આવકારી કાલુપુર દરિયાપુરના મુસ્લિમ સમાજ તિરંગા ઝંડા સાથે સ્વયંભૂ રેલીમાં જોડાઈ ગયો હતો. હિન્દુસ્તાન જીંદાબાદ-પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠયો હતો.
સાંજે ૫-૩૦ કલાકે દરિયાપુર કાલુપુરના સ્થાનિક વેપારીઓ અને આગેવાનો, રહીશો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં ૧૦,૦૦૦ કરતા વધુની સંખ્યામાં માનવ મહેરામણ જોડાયા હતા. જમીયતે ઉલમાએ હિન્દના મુફતી અબ્દુલ કૈયુમ સાહેબ અને અન્ય ઉલેમાઓની રહેબરીમાં રેલી નીકળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન અને પૂર્વ સીનીયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, દરિયાપુરના સીનીયર સામાજિક આગેવાન રફીક નગરીવાલા, દરિયાપુરના મ્યુનિ. કોર્પોરેટ ઈમ્તિયાઝ શેખ, એમઆઈએમ પાર્ટીના મુખ્ય આગેવાનો અનીસ શેખ, જાબિર પટેલ જ્યારે એસડીપીઆઈ ના મુખ્ય આગેવાનો અબ્રાર શેખ અને ઈર્શાદભાઈ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિક રહીશો રેલીમાં જોડાયા હતા.