પાકિસ્તાન માટે જાસૂસી કરતો એજન્ટ કચ્છથી પકડાયો,ATSએ કર્યા મોટા ખુલાસા

પાકિસ્તાન માટે જાસૂસી એજન્ટ- હરિયાણાની યૂટ્યૂબર જ્યોતિ મલ્હોત્રાની પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ધરપકડ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. આ ઘટનાને પગલે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા નડિયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ બાદ હવે કચ્છના દયાપરથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સહદેવસિંહ દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતો હતો.
પાકિસ્તાની એજન્ટ સાથે સંપર્ક અને ગોપનીય માહિતી શેર કરવાનો આરોપ
પાકિસ્તાન માટે જાસૂસી એજન્ટ-  ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, સહદેવસિંહ પાકિસ્તાની એજન્ટને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને ભારતીય નેવીની ગોપનીય માહિતી શેર કરી રહ્યો હતો. આ બાતમીના આધારે એટીએસે વોચ ગોઠવી અને એક ખાસ ટીમ બનાવી. 1 મે, 2025ના રોજ સહદેવસિંહને પ્રાથમિક તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો કે, સહદેવસિંહ વર્ષ 2023ના જૂન-જુલાઈમાં અદિતિ ભારદ્વાજ નામની એક યુવતીના સંપર્કમાં આવ્યો, જે પાકિસ્તાની એજન્ટ હોવાનું જાણવા મળ્યું છે.
અદિતિ દ્વારા આપવામાં આવેલા ટાસ્ક
અદિતિએ સહદેવસિંહને કેટલાક ટાસ્ક સોંપ્યા હતા, જેમાં તેના વિસ્તારમાં BSF અને ભારતીય નેવીની ઇમારતોના ચાલી રહેલા બાંધકામ અને નવા બાંધકામોના ફોટા તથા વીડિયો મોકલવાનું કહ્યું હતું. સહદેવસિંહે આ માહિતી વોટ્સએપ દ્વારા અદિતિને મોકલી હતી. તેણે પોતાના આધારકાર્ડનો ઉપયોગ કરી એક સીમ કાર્ડ લઈને વોટ્સએપ એક્ટિવેટ કર્યું હતું અને તેનો OTP અદિતિને આપ્યો હતો. આ નંબર પર બંને સંપર્કમાં રહેતા હતા અને સહદેવસિંહ આ નંબર દ્વારા ગોપનીય માહિતી શેર કરતો હતો.
જાસૂસીની શરૂઆત અને નાણાકીય લાભ
તપાસમાં જાણવા મળ્યું કે, સહદેવસિંહે એકથી દોઢ વર્ષ પહેલાં જાસૂસીનું કામ શરૂ કર્યું હતું. તેણે ત્રણ-ચાર વીડિયો અને ફોટા શેર કર્યા હતા, જેમાંથી કેટલાકને ડિલીટ કરવામાં આવ્યા હતા. હાલ એટીએસ દ્વારા આ ડિલીટ થયેલી માહિતી રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ કામના બદલામાં સહદેવસિંહને એક વખત 40 હજાર રૂપિયા રોકડા મળ્યા હોવાની માહિતી પણ સામે આવી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે, અદિતિ સહિત બે નંબર પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાયા હતા.
કેસ દાખલ અને આગળની તપાસ
ગુજરાત એટીએસે સહદેવસિંહ દીપુભા ગોહિલ અને પાકિસ્તાની એજન્ટ અદિતિ ભારદ્વાજ સામે કેસ દાખલ કર્યો છે. હાલ સહદેવસિંહની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. એટીએસ તેના ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઈસની ફોરેન્સિક તપાસ કરી રહી છે, જેથી શેર કરવામાં આવેલી માહિતી અને અન્ય સંભવિત સંપર્કોની વિગતો મેળવી શકાય. આ ઘટનાએ દેશની સુરક્ષા એજન્સીઓમાં ચિંતાનું મોજું ફેલાવ્યું છે, અને આવા કેસોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસને વધુ ઝડપી બનાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *