પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન- અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જવા ઉડાન ભરનાર એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન (ફ્લાઈટ AI171) ટેકઓફની થોડી જ મિનિટોમાં મેઘનીનગર વિસ્તારમાં ક્રેશ થયું. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધી 170થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ રાજ્ય અને દેશભરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પરિમલ નથવાણીએ વિજ્ય રૂપાણીના નિધન અંગે ટ્વિટ કર્યું હતું પણ તરત જ ડિલીટ કરી દીધુ હતું
દુર્ઘટનાનો ભયાવહ નજારો
પૂર્વ CM વિજય રૂપાણીનું નિધન- આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે વિમાન ક્રેશ થતાં જ આગનો ગોળો બની ગયો, જેના કારણે ગાઢ કાળો ધુમાડો અને ભયાવહ દ્રશ્યો સર્જાયા. વિમાન એરપોર્ટની નજીક આવેલા ડોક્ટર્સની હોસ્ટેલ અને રહેણાંક વિસ્તારમાં અથડાયું, જેના કારણે આસપાસનો મોટો વિસ્તાર આગમાં બળીને ખાખ થઈ ગયો. અમદાવાદે આવા ભયાનક દ્રશ્યો પહેલાં ક્યારેય જોયા નથી. રેસ્ક્યૂ ટીમો દ્વારા કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ મોટાભાગના મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.
સિવિલ હોસ્પિટલમાં ભયાનક મંજર
સિવિલ હોસ્પિટલમાં એક પછી એક મૃતદેહો આવી રહ્યા છે, જેના કારણે હોસ્પિટલમાં કફનની અછત સર્જાઈ છે. ઘણા મૃતદેહો ટુકડાઓમાં મળી રહ્યા છે, જેનાથી ઓળખ પ્રક્રિયા વધુ જટિલ બની છે. હોસ્પિટલમાં સ્વજનો અને લોકોના ટોળાં ઉમટી રહ્યા છે, જેના કારણે ભયાવહ અને ભાવુક દ્રશ્યો સર્જાયા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કટોકટી કેન્દ્રની મુલાકાત લઈને રેસ્ક્યૂ અને રાહત કાર્યોને ઝડપી બનાવવા સૂચનાઓ આપી છે.
હોસ્ટેલ પર આફત
વિમાન અતુલ્ય હોસ્ટેલની ચારેય ઈમારતો પર અથડાયું, જ્યાં તે સમયે મેસમાં 60થી 80 વિદ્યાર્થીઓ જમી રહ્યા હતા. ડો. મીનાક્ષી પરીખના જણાવ્યા અનુસાર, વિમાનના ક્રેશ થતાં જ મેસમાં આગ ફેલાઈ, અને ગાઢ ધુમાડાને કારણે ઘણા વિદ્યાર્થીઓ બહાર નીકળી શક્યા નહીં. આશરે 10થી 12 વિદ્યાર્થીઓ ફસાઈ ગયા, જેમાંથી 4ના મોતની આશંકા છે, જ્યારે 5 વિદ્યાર્થીઓ હજુ ગુમ છે. રેસ્ક્યૂ ટીમો ગ્રુપ લીડર્સ સાથે સંપર્ક કરીને ગુમ થયેલા વિદ્યાર્થીઓની શોધખોળ કરી રહી છે.
પેસેન્જર્સની વિગતો
એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 પેસેન્જર્સ અને 12 ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે. આમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિક હતા. વિમાનમાં 217 પુખ્ત વયના મુસાફરો, 11 બાળકો અને 2 શિશુઓ હતા. વિજય રૂપાણી બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હતા અને તેમનું નામ પેસેન્જર લિસ્ટમાં 12મા નંબરે નોંધાયેલું હતું.
રેસ્ક્યૂ અને તપાસ
રેસ્ક્યૂ ઓપરેશનમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF), ફાયર બ્રિગેડ, પોલીસ અને અન્ય એજન્સીઓ સતત કામ કરી રહી છે. સાત ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સની લાઈનો ઘટનાસ્થળે પહોંચી છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ અને નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુને રાહત કાર્યોની દેખરેખ માટે અમદાવાદ જવા નિર્દેશ આપ્યા છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને બોઈંગની ટેકનિકલ ટીમે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો- અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન ક્રેશની તમામ મોટી અપડેટ