એર ઇન્ડિયા પ્લેન ક્રેશ- અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જવા ઉડાન ભરનાર એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન (ફ્લાઈટ AI171) ટેકઓફની થોડી જ મિનિટોમાં મેઘનીનગર વિસ્તારમાં ક્રેશ થયું. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધી 170થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. આ ઘટનાએ રાજ્ય અને દેશભરમાં શોકનું મોજું ફેલાવ્યું છે. આ પ્લેન ક્રેશમાં આણંદ જિલ્લાના મુસ્લિમ વહોરા સમાજના ચાર લોકોના પણ મોત નિપજ્યા છે.
એર ઇન્ડિયા પ્લેન ક્રેશ- નોંધનીય છે કે આણંદ જિલ્લાના વહોરા મુ્સિલમ સમાજના લોકોનું પણ મોત નિપજયું છે,સમગ્ર તારાપુરમાં શોકની લાગણી જોવા મળી રહી છે, પરિવારજનો ભારે હૈયાફાટ રૂદન કરી રહ્યા છે,તમામ ચાર લોકો લંડન જઇ રહયા હતા. વ્હોરા યાસમીન યાસીનભાઇ, વહોરા સલમાબેન રજાકભાઇ, વ્હોરા હન્ના ઇબ્રાહિમ સાથે એક બાળકનું પણ મોત થયું છે.
આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે વિમાન ક્રેશ થતાં જ આગનો ગોળો બની ગયો, જેના કારણે ગાઢ કાળો ધુમાડો અને ભયાવહ દ્રશ્યો સર્જાયા. વિમાન એરપોર્ટની નજીક આવેલા ડોક્ટર્સની હોસ્ટેલ અને રહેણાંક વિસ્તારમાં અથડાયું, જેના કારણે આસપાસનો મોટો વિસ્તાર આગમાં બળીને ખાખ થઈ ગયો. અમદાવાદે આવા ભયાનક દ્રશ્યો પહેલાં ક્યારેય જોયા નથી. રેસ્ક્યૂ ટીમો દ્વારા કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે, પરંતુ મોટાભાગના મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે.