સુરત વરસાદ: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સોમવાર, 23 જૂન 2025ના રોજ સવારથી જ સુરત શહેર અને જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, ખાસ કરીને સુરતમાં, વહેલી સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં માત્ર ચાર કલાકમાં 7.24 ઈંચ વરસાદ નોંધાયો છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દૃશ્યો સર્જાયા છે. શહેરના રસ્તાઓ નદીનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે, અને અંડરપાસમાં પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
સુરતમાં 4 કલાકમાં 7.24 ઈંચ વરસાદ, શહેર પાણીમાં ગરકાવ
સુરત વરસાદ: સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના આંકડા મુજબ, 23 જૂન 2025ના સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીના ચાર કલાકમાં સુરત શહેરમાં 7.24 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સમયગાળા દરમિયાન વરસાદનું જોર વધતાં શહેરના ડાભોલી, વરાછા, પાલ, ગૌરવ પથ અને કાપોદ્રા જેવા વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો, અને ઘણા વાહનો પાણીમાં બંધ પડી ગયા.
તાપી નદીનો વીયર-કમ-કોઝવે બંધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ભારે વરસાદને પગલે તાપી નદીમાં નવા પાણીની આવક શરૂ થઈ છે, અને નદીનું જળસ્તર 6 ફૂટ સુધી પહોંચી ગયું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા તાપી નદી પરનો વીયર-કમ-કોઝવે વાહનચાલકો માટે બંધ કરી દેવાયો છે. લોકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. SMC કમિશનર શાલિની અગ્રવાલ ઈન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) થકી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.
શાળાઓમાં રજા, ઓરેન્જ એલર્ટ જાહેર
સુરતમાં 6 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાતાં શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઈન્ડિયા મેટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) દ્વારા સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જે આગામી 26 જૂન સુધી ભારે વરસાદની આગાહી દર્શાવે છે.
પ્રશાસનની તૈયારીઓ અને રહેવાસીઓ માટે સૂચના
ભારે વરસાદને કારણે સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે પ્રશાસને રહેવાસીઓને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. ખાસ કરીને ડાભોલી અને વરાછા વિસ્તારોમાં ભારે જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા, જ્યાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા. SMC દ્વારા ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવાઈ રહ્યા છે, પરંતુ ભારે વરસાદના જોરે પરિસ્થિતિ પડકારજનક બની છે.
આ પણ વાંચો-સીરિયાના દમાસ્કસ ચર્ચમાં મોટો આત્મઘાતી હુમલો,20 લોકોના મોત, અનેક ઘાયલ