અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે, અને રાજ્યના અનેક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં જૂલાઈની શરૂઆતમાં રાજ્યના અનેક ભાગોમાં તોફાની વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી: અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 1.5 કિ.મી. ઊંચાઈના વાદળો ગુજરાતમાં સક્રિય થયા છે, જેના કારણે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વિરમગામ, સાણંદ, બાવળા, અમદાવાદ, અરવલ્લી અને પંચમહાલમાં તોફાની વરસાદની આગાહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, નાના ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે, અને 9થી 15 જૂલાઈ દરમિયાન પણ વરસાદનો યોગ રહેશે. ખેડૂતો માટે આ સારા સમાચાર છે, પરંતુ 7 જૂલાઈ પછી લીલા ખેતરમાં આંતરખેડ ન કરવા અને પશુઓની કાળજી રાખવા અનુરોધ કરાયો છે.
ચોમાસાનો વરસાદ: આંકડા
ચાલુ ચોમાસાની સીઝનમાં રાજ્યમાં સરેરાશ 29.13% વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે જોઈએ તો:
દક્ષિણ ગુજરાત: 31.20% (સૌથી વધુ)
પૂર્વ મધ્ય ગુજરાત: 30.93%
સૌરાષ્ટ્ર: 30.36%
કચ્છ: 23.7%
ઉત્તર ગુજરાત: 21.50% (સૌથી ઓછો)
છેલ્લા 24 કલાકનો વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 171 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દ્વારકામાં સવારથી અત્યાર સુધીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેતરો અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ગઈકાલે 3 ઇંચ વરસાદ પડ્યો હતો. દ્વારકામાં વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે.
ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આજે ચાર જિલ્લા – કચ્છ, દ્વારકા, જામનગર અને બનાસકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્રને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો- ગીર સોમનાથનામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દુર્ઘટના, છતના પોપડા પડતા વિધાર્થીઓ ઘાયલ