મહેમદાવાદના દાઉદપુરા મદ્રસામાં પરંપરા મુજબ આ વર્ષે પણ ઇનામ વિતરણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરઆનની તિલાવત થઇ . આ પ્રસંગે મદ્રસાના વિદ્યાર્થીઓ માટે વક્તૃત્વ સ્પર્ધાનું વિશેષ આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી હતી.

નોંધનીય છે કે દાઉદપુરા મદ્રસા ના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન આલીમ મૌલાના નઝીર સાહેબ નક્શબંદીએ હાજરી આપી સમારોહની શોભા વધારી હતી. તેમણે આજના યુગમાં દીની અને દુનિયવી શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતાં કહ્યું કે, “શિક્ષણ એ જીવનનો પાયો છે, જે વ્યક્તિ અને સમાજના ઉત્થાનનું મુખ્ય સાધન છે.” વક્તૃત્વ સ્પર્ધામાં નિર્ણાયકની ભૂમિકા નિભાવતાં તેમણે નિષ્પક્ષ મૂલ્યાંકન સાથે વિજેતાઓને ઇનામો એનાયત કર્યા.

દાઉદપુરા મદ્રસામાં 50 વિદ્યાર્થીઓને વિશેષ ઇનામો આપી સન્માનિત કરાયા. આ ઉપરાંત, ધોરણ 1થી 12માં 60 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ખાસ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ ભવ્ય કાર્યક્રમની રૂપરેખા દાઉદપુરાના લોકપ્રિય વ્યક્તિ સઇદખાન પઠાણે તૈયાર કરી હતી. આ ઉપરાંત દાઉદપુરાના યુવાઓ સહિત અફઝલ સૈયદનું યોગદાન પણ આ કાર્યક્રમની સફળતામાં નોંધપાત્ર રહ્યું હતું જેના થકી કાર્યક્રમને યાદગાર બનાવ્યો.
ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં મુહમ્મદ અલી સાહેબ નક્શબંદી, મોલાના સાકિબ અલી સાહેબ અને મોલાના અયાઝ અલી સાહેબની વિશેષ ઉપસ્થિતિએ સમારોહનું ગૌરવ વધાર્યું. આ કાર્યક્રમ દાઉદપુરા મદ્રસાના વિદ્યાર્થીઓ અને સમુદાય માટે પ્રેરણાસ્ત્રોત બન્યો, જે શિક્ષણ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો એક ઉત્તમ પ્રયાસ હતો.