Kutch ના મુન્દ્રા શહેરમાં આજે વહેલી સવારે એક મોટી અને ગંભીર ઘટના બની છે, જેમાં રાંધણ ગેસના ખુલ્લા રહી ગયેલા નોબને કારણે થયેલા જોરદાર ધડાકામાં ૬ યુવકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું જાણવા મળે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નથી.
Kutch ના મુન્દ્રા પોલીસે આપેલી વિગતો મુજબ, આ ઘટના શહેરના રાસાપીર સર્કલ નજીક આવેલી એક ઓરડીમાં બની હતી. ઓરડીમાં રહેતા યુવકો દ્વારા ભૂલથી રાંધણ ગેસનો નોબ આખી રાત ચાલુ રહી ગયો હતો, જેના કારણે આખો રૂમ ગેસથી ભરાઈને ‘ગેસ ચેમ્બર’ જેવો બની ગયો હતો.
સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં જ્યારે યુવકોએ રસોઈ કરવા માટે ગેસ ચાલુ કર્યો, ત્યારે ભેગા થયેલા ગેસના કારણે મોટો ધડાકો થયો હતો. આ ધડાકાની ચપેટમાં આવેલા છ યુવકો દાઝી ગયા હતા, જેમાં સુજિત રાય, મનીક કરમાકર, જયન્તો કરમાકર, હરિ રાય, અનુ મોન્ડલ અને રમેશ નામના યુવકોનો સમાવેશ થાય છે.
તાત્કાલિક સારવાર અને ભૂતકાળની ઘટના:
ઇજાગ્રસ્તોને ઘટનાસ્થળેથી તાત્કાલિક મુંદરાની સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમને વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.
આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાવ્યો છે, અને સુરક્ષા માટે લાલબત્તી સમાન છે. ઉલ્લેખનીય છે કે, આઠેક માસ પહેલા પણ મુંદરાના રહેણાક વિસ્તારમાં ગેસ લાઈનમાં લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો, જેમાં મૂળ આંધ્રપ્રદેશના પિતા-પુત્રીનું મૃત્યુ થયું હતું. આ પ્રકારની ઘટનાઓ એ સંદેશ આપે છે કે રસોઈ બનાવ્યા બાદ ગેસનો નોબ બરાબર બંધ થયો છે કે નહીં, તે ચકાસવું અત્યંત જરૂરી છે, કારણ કે નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: પાકિસ્તાને બાંગ્લાદેશને 11 રનથી હરાવ્યું, 41 વર્ષ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલનો મહામુકાબલો યોજાશે