આવકવેરા વિભાગે (Income Tax Department) કરદાતાઓ અને વ્યાવસાયિકોની માંગણીઓને ધ્યાનમાં રાખીને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે ઑડિટ રિપોર્ટ ફાઇલ કરવાની અંતિમ તારીખ લંબાવી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ ગુરુવારે જાહેરાત કરી કે હવે ૩૦ સપ્ટેમ્બરને બદલે કરદાતાઓ ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી રિપોર્ટ જમા કરાવી શકશે. આ નિર્ણય મોટી કંપનીઓ, ટ્રસ્ટો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) માટે એક મહિનાનો વધારાનો સમય અને મોટી રાહત લઈને આવ્યો છે.
ડેડલાઈન લંબાવા પાછળના મુખ્ય કારણો
(Income Tax Department) CBDT એ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય પાછળ પોર્ટલની કોઈ તકનિકી ખામી જવાબદાર નથી, પરંતુ મુખ્યત્વે બે પરિબળો છે:
૧. કુદરતી આફતો: દેશના કેટલાક ભાગોમાં તાજેતરમાં આવેલા પૂર અને કુદરતી આપત્તિઓના કારણે વ્યાવસાયિક ગતિવિધિઓ પ્રભાવિત થઈ હતી, જેના લીધે ઘણા વ્યવસાયો સમયસર ઓડિટ પૂર્ણ કરી શક્યા ન હતા.
૨. વ્યાવસાયિક માંગણી: વિવિધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંગઠનો અને વ્યવસાયિક સંસ્થાઓ દ્વારા સતત સમય મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં લઈને આ પગલું ભરવામાં આવ્યું છે.
પોર્ટલની સ્થિતિ અને આંકડા
CBDT એ તેના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું કે આવકવેરાનું ઈ-ફાઇલિંગ પોર્ટલ સંપૂર્ણપણે સુચારુ રીતે કાર્ય કરી રહ્યું છે. ૨૩ સપ્ટેમ્બર સુધીમાં, ૭.૫૭ કરોડથી વધુ આવકવેરા રિટર્ન (ITR) દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૪ સપ્ટેમ્બર સુધીમાં ૪.૦૨ લાખથી વધુ કર ઑડિટ રિપોર્ટ અપલોડ કરવામાં આવ્યા હતા.
સરકારનું આ પગલું ટેક્સ કાયદાના અનુપાલનને સરળ બનાવવાની અને કરદાતાઓ પરનું દબાણ ઘટાડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ વધારાનો સમય ખાસ કરીને તે સંસ્થાઓને લાભ આપશે જેમના પર અનુપાલનનો વધુ બોજ હોય છે.
આ પણ વાંચો: મકાન ખરીદનારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: જો બિલ્ડર સમયમર્યાદામાં મકાન ન આપે તો 18 ટકા વ્યાજ આપવું પડશે