Skoda Octavia RS: ભારતીય ઓટોમોબાઇલ બજારમાં પર્ફોર્મન્સ કારના ચાહકો માટે ઉત્સાહના સમાચાર છે. સ્કોડા ઓટો ઇન્ડિયાએ બે વર્ષના વિરામ બાદ પોતાની પ્રતિષ્ઠિત ઓક્ટાવિયા RS (Skoda Octavia RS) ને ફરીથી ભારતમાં લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપનીની ૨૫ વર્ષની ભારતીય વારસાને સન્માન આપતા, આ મોડેલ સંપૂર્ણ વિનિર્મિત એકમ (FBU) તરીકે પરત ફરી રહ્યું છે. સ્કોડા ઓટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર આશિષ ગુપ્તાએ જણાવ્યું કે, “ઓક્ટાવિયાએ ભારતમાં સ્કોડાની ઓળખ બનાવી હતી. તેની આ વાપસી માત્ર એક કારની નહીં, પણ એક જબરદસ્ત ઉત્સાહ અને જુસ્સાની વાપસી છે.”
Skoda Octavia RS: સ્પોર્ટ્સ કારની આ લિમિટેડ એડિશનના માત્ર ૧૦૦ યુનિટ્સ ભારતમાં આયાત કરવામાં આવશે. કારનું પ્રિ-બુકિંગ ૬ ઓક્ટોબર ૨૦૨૫ થી શરૂ થશે, જ્યારે લોન્ચ ડેટ ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ છે અને ડિલિવરી ૬ નવેમ્બર થી શરૂ થશે. આ કારની અંદાજિત એક્સ-શોરૂમ કિંમત ₹૫૦-૫૫ લાખ રહેવાની શક્યતા છે.
પર્ફોર્મન્સની વાત કરીએ તો, ઓક્ટાવિયા RS ૨.૦ લિટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવશે, જે ૨૬૫ bhp પાવર અને ૩૭૦ Nm ટૉર્ક જનરેટ કરે છે. આ કાર માત્ર ૬.૪ સેકન્ડમાં ૦ થી ૧૦૦ kmphની ઝડપ પકડી શકે છે અને તેની ટોપ સ્પીડ ૨૫૦ kmph છે. તેમાં ૭-સ્પીડ DSG ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. પ્રીમિયમ ફિચર્સમાં ૧૩-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, પૅનોરમિક સનરૂફ, ૧૦.૨૫-ઇંચ ડિજિટલ ક્લસ્ટર, સ્પોર્ટ્સ સીટ્સ અને ફ્લેટ-બૉટમ સ્ટિયરિંગનો સમાવેશ થાય છે. આ લિમિટેડ ૧૦૦ યુનિટ્સ ગણતરીના દિવસોમાં જ બુક થઈ જવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: મકાન ખરીદનારને સુપ્રીમ કોર્ટની મોટી રાહત: જો બિલ્ડર સમયમર્યાદામાં મકાન ન આપે તો 18 ટકા વ્યાજ આપવું પડશે