કોલકાતાથી શ્રીનગર જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ નંબર 6E-6961 બુધવારે સાંજે મોટી દુર્ઘટનાનો શિકાર થતા માંડ માંડ બચી ગઈ હતી. વિમાનમાં તકનીકી ખામી સર્જાતા અને ફ્યુઅલ લીક થવાને કારણે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તેની તાત્કાલિક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.
આ ગંભીર ઘટના ત્યારે બની જ્યારે વિમાન આશરે ૩૬,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. વારાણસીની સીમામાં પ્રવેશતાની સાથે જ પાયલટે પરિસ્થિતિની ગંભીરતા પારખી લીધી હતી અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને ‘મેડે’ (Mayday) મેસેજ મોકલીને ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી માંગી હતી. પાયલટે ATCને જાણ કરી કે ફ્યુઅલ લીક થવાના કારણે એન્જિન રેડ સિગ્નલ આપી રહ્યું છે.
પાયલટની સમયસૂચકતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ATCએ તાત્કાલિક ફ્લાઇટની વિગતો ચકાસી અને માત્ર ૪ મિનિટના ગાળામાં રનવેને અન્ય ટ્રાફિક માટે ક્લિયર કરાવી દીધો. ATCની મંજૂરી મળતાં જ, સાંજે ૪:૧૦ વાગ્યે પાયલટે વિમાનને સુરક્ષિત રીતે રનવે પર ઉતારી દીધું.
૧૬૬ યાત્રીઓનો આબાદ બચાવ
ઇમરજન્સી લેન્ડિંગ બાદ તાત્કાલિક ઇમરજન્સી ટીમને મોકલીને વિમાનમાં સવાર કુલ ૧૬૬ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તમામ યાત્રીઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને એરપોર્ટના એરાઇવલ હોલમાં બેસાડવામાં આવ્યા છે.
એરલાઇન્સ તરફથી માહિતી આપવામાં આવી છે કે આ તકનીકી ખામીને કારણે વિમાનને ઉતારવામાં આવ્યું હતું, અને હવે ઇન્ડિગો દ્વારા મુસાફરોને શ્રીનગર મોકલવા માટે અન્ય વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટેકનિકલ ટીમ અને એરપોર્ટ ઓથોરિટી સહિતની અન્ય એજન્સીઓ વિમાનમાં ફ્યુઅલ લીકની વિગતવાર તપાસ અને સમારકામમાં લાગી ગઈ છે. આ વિમાન સંપૂર્ણ ટેસ્ટિંગ અને ટેકનિકલ ટીમના ‘ઓકે’ મળ્યા બાદ જ ફરીથી ઉડાન ભરી શકશે.
આ પણ વાંચો: સાઉદી અરેબિયાએ કફાલા સિસ્ટમ કરી નાબૂદ, 25 લાખ ભારતીયોને મોટી રાહત!