Faizan Malek CISF : દેશની રક્ષા કાજે સમર્પિત સુરક્ષાદળોમાં જોડાવું એ કોઈપણ પરિવાર અને ગામ માટે ગૌરવની ક્ષણ હોય છે. તાજેતરમાં મહેમદાવાદ ખાતે આવો જ એક દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, જ્યારે C.I.S.F. (કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ) માં પોતાની કઠોર તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને વતન પરત ફરેલા વીર જવાન મલેક મોહમ્મદ ફૈઝાનના માનમાં એક ભવ્ય ‘સન્માન સ્વાગત શોભાયાત્રા’ અને ‘તિરંગા રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા જવાનનું સન્માન
Faizan Malek CISF : રવિવાર, 11 જાન્યુઆરીના રોજ આયોજિત આ કાર્યક્રમમાં જવાન ફૈઝાનના પરિવારજનો દ્વારા મિત્રો, સ્નેહીજનો અને તમામ ગ્રામજનોને આ ગૌરવપૂર્ણ પ્રસંગમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જવાન જ્યારે પોતાની વર્ષોની મહેનત અને ટ્રેનિંગ બાદ ગણવેશમાં સજ્જ થઈને વતન પહોંચ્યા, ત્યારે વાતાવરણ ‘જય હિન્દ’ અને ‘ભારત માતા કી જય’ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
શોભાયાત્રાનો રૂટ અને વિશેષતા
આ ભવ્ય શોભાયાત્રાની શરૂઆત સવારે ૧૦:૦૦ કલાકે મહેમદાવાદ રેલ્વે સ્ટેશનથી કરવામાં આવી હતી. હાથમાં તિરંગા સાથે નીકળેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. રેલી રેલ્વે સ્ટેશનથી નીકળી વિરોલ દરવાજા થઈને મલેક સ્ટ્રીટ સ્થિત જવાનના નિવાસસ્થાન સુધી પહોંચી હતી. સમગ્ર માર્ગ દરમિયાન સ્થાનિક રહીશોએ ફૂલહાર અને પુષ્પવર્ષા કરીને જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

દેશભક્તિનો અનોખો સંગમ
ડી.બી.એમ. ગ્રુપ અને જોલી ગ્રુપના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને સૈનિકોના સમર્પણને માન આપવાનો હતો. જવાનના પિતા મલેક સુબામીયા અને પરિવારના અન્ય સભ્યો – મલેક રેહાન, મલેક સરફરાઝ અને મલેક મહેમૂદ – આ ક્ષણે અત્યંત ભાવુક અને ગૌરવિત જણાયા હતા.
આ પ્રસંગે જોલી ગ્રુપના નવનિયુક્ત પ્રમુખ તસલીમ કાદરીએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમારા ગ્રુપ અને સમગ્ર શહેર માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ છે કે અમારો એક યુવાન દેશની સેવામાં જોડાયો છે. ફૈઝાન જ્યારે સરહદ પર દેશની રક્ષા માટે જશે, ત્યારે એ સેવાની ભાવના અને દેશભક્તિની લાગણી ખરેખર અદ્વિતીય હશે. આ માત્ર એક પરિવારનો ઉત્સવ નથી, પરંતુ આખા શહેર માટે પ્રેરણારૂપ અવસર છે, જે આગામી પેઢીને રાષ્ટ્રસેવા માટે પ્રોત્સાહિત કરશે.

ડી.બી.એમ. ગ્રુપ ના પ્રમુખ મુખત્યાર બાવાએ હર્ષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દેશની રક્ષા માટે દીકરો તૈયાર થાય એ આખા સમાજ માટે ગૌરવની વાત છે અને ફૈઝાનની આ સફળતા અન્ય યુવાનો માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે
આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને યુવાનો જોડાયા હતા, જેનાથી જવાનનો ઉત્સાહ પણ બેવડાયો હતો. આ રેલીમાં જોલી ગ્રુપના ઉપ પ્રમુખ અફઝલ સૈયદ સાથે સભ્યો જાવેદ મલેક, અનવર શેખ, સાજીદ મલેક, સલીમ મલેક, અલ્તાફ મલેક સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમે સાબિત કર્યું કે દેશની સેવા કરનાર સૈનિક પ્રત્યે જનતાના હૃદયમાં કેટલું અપાર માન છે. અંતમાં ‘ભારતીય સેનાના વીર જવાનોને સલામ’ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.
આ પણ વાંચો: આણંદમાં લોક અદાલતમાં ઐતિહાસિક સમાધાન, લાલાભાઇ વકીલે અકસ્માત કેસમાં 96 લાખ વળતર અપાવ્યું

