Surat gold smuggling : સુરતમાં ગુરુવારે સીમાડા ચેકપોસ્ટ પર પોલીસે 8.6 કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખસોને પકડ્યા હતા. આ શખસો કારમાં કપડાંની અંદર કાચા સોનાના ટુકડા અને બિસ્કિટ છુપાવીને લઈ જતાં હતા. પોલીસને બાતમીના આધારે આ જથ્થા ઝડપવામાં સફળતા મળી. શખ્સો પાસે સોનાના કોઈ સત્તાવાર દસ્તાવેજ ન હતા, જેના કારણે મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બાતમી પરથી પોલીસે વોચ ગોઠવી- Surat gold smuggling
પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમને સૂત્રો દ્વારા જાણ કરવામાં આવી હતી કે સફેદ મારૂતિ સેલેરીયો કાર (GJ-05-RV-5800)માં કાચા સોનાનો મોટો જથ્થો તસ્કરી કરીને લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે ચેકિંગ શરૂ કર્યું.
કપડાંની અંદર છુપાયેલું સોનુ
પોલીસે શંકાસ્પદ ગાડી રોકી ડ્રાઈવર હિરેન ભટ્ટી (ઉ. 31) અને સાથી મગન ધામેલીયા (ઉ. 65)ને તપાસવા માટે નીચે ઉતાર્યા. બંને શખસોની તપાસ દરમિયાન તેમના શર્ટ અને પેન્ટના ઈન્શર્ટમાંથી અલગ-અલગ પેકેટમાં કાચા સોનાના ટુકડા મળી આવ્યા.
8 પેકેટમાં 15.409 કિલો કાચું સોનુ
પોલીસે કુલ 8 પેકેટમાંથી 15.409 કિલોગ્રામ કાચું સોનુ કબ્જે કર્યું, જેની કિંમત રૂ. 8,57,96,282 છે. સાથે જ રૂ. 13,000ના બે મોબાઇલ ફોન અને 2.5 લાખની કાર પણ જપ્ત કરવામાં આવી છે.
વિગતવાર સોનાનો જથ્થો અને કિંમત:
442.84 ગ્રામ: રૂ. 26,00,577
2.237 કિલો: રૂ. 1,31,36,782
1.600 કિલો: રૂ. 93,96,000
3.005 કિલો: રૂ. 1,76,46,862
1.400 કિલો: રૂ. 82,21,500
સોનાની માલિકીની પુષ્ટિ માટે દસ્તાવેજોની માંગ
જ્યારે પોલીસે શખ્સો પાસેથી સોનાના માલિકીની પુષ્ટિ માટે દસ્તાવેજોની માંગ કરી, ત્યારે તેઓ કોઈ સત્તાવાર દસ્તાવેજ રજૂ કરી શક્યા નહીં.
પ્રાથમિક પૂછપરછમાં ખુલાસા
શખ્સોએ જણાવ્યું કે તેઓ મહિધરપુરા વિસ્તારમાંથી આ સોનાનો જથ્થો ઊભેળની ફેક્ટરી સુધી લઈ જઈ રહ્યા હતા. જોકે, તેઓ આ અંગે સત્તાવાર દસ્તાવેજો રજૂ કરવા અસમર્થ રહ્યા.
કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને સુરક્ષા કલમ-106 અને 35(1)(ઈ) હેઠળ કેસ નોંધ્યો છે. વધુમાં, કબજામાં લીધેલા સોનાની ગુણવત્તા અને વજનની તપાસ માટે નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે.
પોલીસની સતર્કતા આકર્ષણમાં
આ મામલે સુરત પોલીસની સતર્કતાને પગલે કાચા સોનાની દાણચોરીનો મોટા પ્રમાણમાં પર્દાફાશ થયો છે, અને આરોપીઓ સામે વધુ તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો- Stand-Up India Scheme: મહિલા અને SC/ST સાહસિકોના સપનાને ઉડાન આપવા માટેની લોન સહાય યોજના