Woman Dies After Delivery : છોટા ઉદેપુરના નાની સઢલી ગામમાં એક પ્રસૂતા મહિલાનું મોત બાદ ઘર્ષણભર્યું વાતાવરણ સર્જાયું છે. દક્ષાબેન રવિન્દ્રભાઇ રાઠવાને પ્રસુતિ બાદ વધુ લોહી નીકળતા જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પરિવારજનો દ્વારા હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે હોસ્પિટલ તંત્ર ઘટનાની જવાબદારી ટાળી રહ્યું છે.
પ્રસુતિ બાદ લોહી વધુ નીકળતાં રીફર કરાયા
દક્ષાબેનને 23 ડિસેમ્બરના રાત્રે 3 વાગ્યે રંગપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (મોટી સઢલી સબ સેન્ટર)માં પ્રસુતિ માટે દાખલ કરવામાં આવી હતી. ડોક્ટરની ગેરહાજરીમાં, સ્ટાફ નર્સ દ્વારા 24 કલાક સુધી દેખરેખ રાખીને અંતે સાંજે નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી. ડિલિવરી બાદ વધુ લોહી નીકળવા લાગતાં, દક્ષાબેનને તાત્કાલિક 108 મારફતે છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
પરિવારજનોએ બેદરકારીના આક્ષેપ કર્યા
પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, પ્રસુતિ સમયે હોસ્પિટલમાં ડોક્ટર હાજર નહોતા અને એમ્બ્યુલન્સમાં ઓક્સિજન અને ટેકનિકલ સપોર્ટની ખામી હતી. પરિવારના મતે, સ્ત્રીની તબિયત ગંભીર બનવા છતાં પ્રસુતિ કરવામાં આવી અને મૃત્યુ બાદ રીફર કરાયા.
હોસ્પિટલ તંત્રનો બચાવ
હોસ્પિટલના તંત્રે જણાવ્યું કે ડોક્ટર ટ્રેનિંગમાં હતા અને સ્ત્રીની તબિયત ખરાબ થતા સ્ટાફ નર્સે તમામ પ્રયાસ કર્યા. 108 ની વિલંબને કારણે છોટા ઉદેપુર પહોંચવામાં મોડું થયું. તંત્રના દાવા મુજબ, ઓથોરાઈઝ્ડ પર્સન વગર મહિલાના મૃત્યુને સ્થળ પર ડિકલેર કરી શકાતું નહોતું.
બાળકે માતા ગુમાવી, પરિવાર શોકમાં
દક્ષાબેનનાં આ અગાઉ ચાર બાળકો છે, જ્યારે પાંચમી પ્રસુતિમાં બાળક જન્મતાની સાથે માતાનું મૃત્યુ થયું. આ ઘટનાએ પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ સર્જી દીધો છે.
આ ઘટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની બેદરકારી અને ડોક્ટરની ગેરહાજરી જેવી ગંભીર સમસ્યાઓ પર પ્રકાશ પાડે છે. આ કેસમાં સ્થાનિક તંત્ર દ્વારા તપાસની માંગ ઉઠી છે જેથી આવી ઘટનાઓ ફરી ન બને.