સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેએ પોતાના કાર્યકરોને સક્રિય કરી દીધા છે અને યોગ્ય ઉમેદવારોની શોધખોળ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, ભાજપે અસંતોષના ડરથી પાલિકા-પંચાયતની ચૂંટણીમાં “નો રિપીટ થિયરી” લાગુ કરવાની યોજના ઘડી છે. તેમ જ 60 વર્ષથી વધુ વયના અને બે ટર્મથી ચૂંટણીમાં જીતનાર સભ્યોને ટિકિટ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે, ભાજપ નવા ચહેરાઓને વધુ પ્રાધાન્ય આપશે, તેવું જાણવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 29-30 જાન્યુઆરીએ ગાંધીનગર ખાતે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં ઉમેદવારોના નામ પર મહોર મારવામાં આવશે. 1 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે, તેથી 31 જાન્યુઆરીએ ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરવાની શક્યતા છે.
સૂત્રોનું કહેવું છે કે, પાલિકા-પંચાયતની ચૂંટણીમાં જીત માટે ભાજપ એડી-ચોટીનું જોર લગાવી રહ્યો છે. તેમ છતાં, અમરેલી લેટર કાંડ અને બનાસકાંઠાના જિલ્લા વિભાજનની જેમના મુદ્દાઓ હવે પક્ષ માટે સમસ્યા બની શકે છે. આમ, પાર્ટીમાં વધતી આંતરકલહ અને જૂથવાદના કારણે, ટિકિટ માટે લોબિંગને કારણે ઉમેદવારોની પસંદગીમાં મુશ્કેલીઓ આવી શકે છે.
ગુજરાતમાં 66માંથી 42 પાલિકાઓમાં હાલ ભાજપનું શાસન છે. વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કર્યા બાદ, ભાજપે હવે પાલિકા-પંચાયતમાં પણ પોતાના દબદબાને કાયમ રાખવા માટે ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકોને જવાબદારી સોંપી છે. નિરીક્ષકોએ દાવેદારોની પેનલ તૈયાર કરી, તે મોવડી મંડળને મોકલી આપશે, ત્યારબાદ આ નામ પર મંજુરી આપવામાં આવશે.