અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઈમિગ્રન્ટ્સને લઈને પ્રથમ ફ્લાઈટ નવી દિલ્હી જવા માટે રવાના થઈ છે. અમેરિકન પ્રશાસનના અધિકારીઓએ જણાવ્યું કે આ ઈમિગ્રન્ટ્સને C-17 એરક્રાફ્ટ દ્વારા પરત મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકા માં રહેતા ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવાની વાત કરી હતી.
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એક અધિકારીએ આ અંગે માહિતી આપી છે. આ દર્શાવે છે કે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી તેજ કરી છે. જો કે, આ વિમાનમાં કેટલા ભારતીયો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે તેઓ અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટા સામૂહિક દેશનિકાલનું આયોજન કરશે. ટ્રમ્પના વહીવટીતંત્રે શરૂઆતમાં 15 લાખ લોકોને પરત મોકલવાની યાદી તૈયાર કરી હતી, જેમાંથી 18 હજાર ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે યુએસમાં અંદાજે 7,25,000 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ રહે છે અને આશ્ચર્યજનક છે કે મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની આ ત્રીજી સૌથી મોટી વસ્તી છે.ગયા મહિને ભારતે કહ્યું હતું કે તે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે તૈયાર છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ભારત તપાસ કરી રહ્યું છે કે કયા ભારતીયોને અમેરિકાથી પાછા મોકલી શકાય છે પરંતુ તેમની સંખ્યા હજુ કહી શકાય તેમ નથી.