પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર વિસ્ફોટ થયો છે. કોલસાની ખાણમાં કામ કરતા વાહનને નિશાન બનાવી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 લોકો માર્યા ગયા હતા. આ પહેલા પણ આ વિસ્તારમાં આવી ઘટનાઓ સામે આવી ચુકી છે.આ બ્લાસ્ટ બલૂચિસ્તાન પ્રાંતના હરનાઈમાં થયો હતો. કોલસા ખાણના કામદારોને લઈ જઈ રહેલા પીકઅપ વાહન પર વિસ્ફોટક ઉપકરણ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં 11 લોકોના તુરંત મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા જેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું કે આ વિસ્ફોટ રિમોટ ઓપરેટેડ ડિવાઈસથી કરવામાં આવ્યો હતો. વિસ્તારના ડેપ્યુટી કમિશનર હઝરત વલી આગાએ જણાવ્યું હતું કે બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે 17 ખાણકામ કામદારો ટ્રકમાં મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક હોસ્પિટલના એક ડોક્ટરે જણાવ્યું કે ઘાયલોમાં બેની હાલત ગંભીર છે. ખનિજ સમૃદ્ધ બલૂચિસ્તાન ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ પર સ્થિત છે. અહીં દાયકાઓથી અલગતાવાદી વંશીય બલૂચ જૂથો દ્વારા બળવો ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં ઈસ્લામિક આતંકવાદીઓ પણ સક્રિય છે.
આ પણ વાંચો – એલોન મસ્કે PM મોદી સાથે કરી મુલાકાત! સ્ટારલિંકને ભારતમાં મળશે એન્ટ્રી