બીજેપી વિધાયક દળની બેઠકમાં દિલ્હીના મુખ્યમંત્રીનું નામ ફાઈનલ કરવામાં આવ્યું છે. રેખા ગુપ્તા દિલ્હીના મુખ્યમંત્રી અને પ્રવેશ વર્મા ડેપ્યુટી સીએમની કરાઇ જાહેરાત. સીએમ પદની જાહેરાત બાદ રેખા ગુપ્તાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે પાર્ટીએ તેમને આશીર્વાદ આપ્યા છે. પાર્ટીના સમર્થન અને આશીર્વાદ માટે મારો આભાર વ્યક્ત કરું છું.
ભાજપે X હેન્ડલ પર અભિનંદન પોસ્ટ કર્યા
ભાજપે પણ પોતાના એક્સ હેન્ડલ પર આ માહિતી આપી છે અને રેખા ગુપ્તાને અભિનંદન પાઠવ્યા છે. બીજેપીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ‘દિલ્હી બીજેપી લેજિસ્લેટિવ પાર્ટીના નેતા તરીકે ચૂંટાવા બદલ શ્રીમતી રેખા ગુપ્તાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. અમને પૂરો વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ કરશે.
કોણ છે રેખા ગુપ્તા?
રેખા ગુપ્તા 50 વર્ષની છે અને તેમનું જન્મસ્થળ હરિયાણાના જીંદ જિલ્લાનું નંદગઢ ગામ છે. તેમનો જન્મ અહીં 1974માં થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રેખા ગુપ્તાનો પરિવાર વર્ષ 1976માં દિલ્હી શિફ્ટ થયો હતો. તેના પતિનું નામ મનીષ ગુપ્તા છે. રેખા ગુપ્તાએ એલએલબી કર્યું છે અને વ્યવસાયે વકીલ પણ છે.
રેખા ગુપ્તા દિલ્હીની શાલીમાર બાગ વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. તે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પણ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025માં, રેખા ગુપ્તાએ શાલીમાર બાગ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીની વંદના કુમારીને 29595 મતોથી હરાવ્યા હતા.
કોણ છે પ્રવેશ વર્મા?
પ્રવેશ વર્મા નવી દિલ્હી સીટથી ધારાસભ્ય છે. તેમણે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે. પ્રવેશ વર્મા ત્રણ હજારથી વધુના માર્જીનથી ચૂંટણી જીત્યા છે. પ્રવેશ વર્મા પૂર્વ મુખ્યમંત્રી સાહેબ સિંહ વર્માના પુત્ર છે અને સાંસદ પણ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો – કેરળના મલપ્પુરમમાં ફૂટબોલ મેચ પહેલા અકસ્માત, ફટાકડા ફોડતા 25થી વધુ દર્શકો દાઝ્યા