Accident At Okha Jetty : ઓખા જેટી પર એક ગંભીર દુર્ઘટના ઘટી છે, જ્યાં ક્રેન તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. ઘટના ઓખા પેસેન્જર જેટી નજીક થઈ હતી, જ્યાં કોસ્ટગાર્ડ માટે નવી જેટી બનાવવા માટેના કામ ચાલી રહ્યા હતા. ક્રેન તૂટવાની આ દુર્ઘટનામાં બે એન્જિનિયર અને એક મજૂર ઘાયલ થયા હતા અને ક્રેનના ભાગ નીચે દબાઈને પાણીમાં પડતાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મૃતકોના મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ GMB કોસ્ટગાર્ડ, પોલીસ વિભાગ, ફાયર ટીમ અને 108 એમ્બ્યુલન્સ ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલમાં દુર્ઘટનાનું કારણ અકબંધ છે અને તપાસ ચાલુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, દ્વારકા જિલ્લાના ઓખા ખાતે આવેલી GMB જેટી પર ચાલી રહેલી કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. આજે સવારે લગભગ 11 વાગ્યે, ક્રેનનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે બે એન્જિનિયર અને એક મજૂર ક્રેન નીચે દબાઈ ગયા હતા.
મૃતકોના નામ
જિતેન્દ્ર ગોબરિયા ખરાડી (ઉમર: 30 વર્ષ, રહે: સલુંનીયા, જામવા, મધ્યપ્રદેશ)
નિશાંતસિંહ રામસિંહ (ઉમર: 25 વર્ષ, રહે: રતનપુર, ફુરખાબાદ, યુપી)
અરવિંદકુમાર મુરારીલાલ (ઉમર: 25 વર્ષ, રહે: નાગલા ગામ, ગંજડુડવાલા, યુપી)
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફેલાવ્યું છે. તપાસ માટે અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળે જઈને માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.