રથયાત્રા2025: અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા આજે ભવ્યાતિભવ્ય રીતે યોજાઈ, જેમાં લાખો ભક્તો ઉમટી પડ્યા. ભગવાન શ્રી જગન્નાથ, બલરામ અને સુભદ્રાના રથો સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી, જેમાં “જય રણછોડ માખણચોર”ના નાદે વાતાવરણ ભક્તિમય બનાવ્યું.ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભ્રાતા બલરામનું, મોસાળ સરસપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ, ત્રણેયનુ ભારે ઉત્સાહભેર મામેરુ કરવામાં આવ્યું હતું. મોસાળમાં મામેરા માટે સૌ કોઈમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
.રથયાત્રાનો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર સરસપુરની નાની સારવિવાળની પોળ રહ્યું, જ્યાં ભગવાનના મોસાળ તરીકે ઓળખાતા સ્થળે ભવ્ય ભંડારો યોજાયો. ભક્તો માટે પુરી, શાક, ફૂલવડી, બુંદી અને છાસનો પ્રસાદ તૈયાર કરાયો. આ ઉપરાંત, અંધજન મંડળ અને વિવિધ સંસ્થાઓમાં ટિફિન દ્વારા પ્રસાદ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી, જેથી વધુમાં વધુ લોકો ભગવાનના આશીર્વાદ મેળવી શકે.અહીંયા થોડો વિશ્રામ કર્યા બાદ રથયાત્રા પરંપરાગત રૂટ પર વધી રહી છે.
પોલીસની કડક વ્યવસ્થા, થોડી અડચણો પણ આવી
રથયાત્રા2025:કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમદાવાદ પોલીસે વ્યાપક તૈયારીઓ કરી હતી. રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. જોકે, જમાલપુર દરવાજા પાસે બે ટ્રક ફસાઈ જવાથી અને ખાડિયામાં ત્રણ હાથી બેકાબૂ થવાની ઘટનાથી થોડી અડચણો સર્જાઈ. સદનસીબે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, અને પોલીસે તાત્કાલિક પરિસ્થિતિને કાબૂમાં લીધી.
રથયાત્રાનો રૂટ અને ભવ્ય શોભાયાત્રા
રથયાત્રા સરસપુરથી શરૂ થઈને કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર હાઈસ્કૂલ, ઘી કાંટા, પાનકોર નાકા અને માણેકચોક થઈને નિજ મંદિર પરત ફરશે. શોભાયાત્રામાં ભગવાનના ત્રણ રથો સાથે હાથી, ટેબ્લો અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભક્તિમય વાતાવરણ અને રથયાત્રાનું મહત્વ
અમદાવાદની આ ઐતિહાસિક રથયાત્રા ગુજરાતની સૌથી મોટી ધાર્મિક ઉત્સવોમાંની એક છે. સરસપુર ખાતે ભગવાનનું મોસાળ એ આ યાત્રાનું ખાસ આકર્ષણ છે, જ્યાં ભક્તો ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. આ રથયાત્રા ભક્તોની આસ્થા અને ભગવાન શ્રી જગન્નાથ પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે.