Ahmedabad Fire : અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આજે વહેલી સવારે એક ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધું હતું. અહીં જીયાનદા સોસાયટી નજીક આવેલા રહેણાંક મકાનમાં બનેલા ACના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ એક પછી એક ગજબના ધડાકાઓ થવા લાગ્યા, જેના કારણે આખા વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો.
ધડાકા અને આગથી હચમચાયું આખું વિસ્તાર
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, મકાનમાં આગ લાગ્યા બાદ લગભગ 10થી વધુ બ્લાસ્ટ એક પછી એક થયા હતા. આ ધડાકાઓ એટલા ભયાનક હતા કે આસપાસના રહેવાસીઓએ તાત્કાલિક ઘરો ખાલી કર્યા અને રસ્તાઓ પર દોડધામ મચી ગઈ. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓે નજીક ઉભેલા વાહનોને પણ ઝપેટમાં લઈ લીધા હતા.
10થી વધુ ફાયર ફાઇટર ટીમ ઘટનાસ્થળે
આ ઘટનાની જાણ મળતા જ ફાયર બ્રિગેડના નવરંગપુરા, પ્રહ્લાદનગર અને જમાલપુર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. કુલ 10થી વધુ ફાયર ફાઇટર વાહનો મોકલવામાં આવ્યા હતા. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ સ્થળ પર હાજર રહી સ્થિતિની સમીક્ષા કરી.
બાળકી સહિત બે વ્યક્તિઓને બચાવવામાં આવ્યા
આગમાંથી બે લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે જેમાં એક નાની બાળકીનો પણ સમાવેશ થાય છે. આગ શા કારણે લાગી અને ધડાકા શા માટે થયા, તેના અંગેની સંપૂર્ણ માહિતી અત્યારે સ્પષ્ટ નથી.
ગેસના બાટલાં ધડાકાની શક્યતા
પ્રાથમિક અનુમાન મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે ગોડાઉનમાં ગેસના બાટલાં રાખવામાં આવ્યા હશે, જેના કારણે આગ લાગ્યા પછી વારંવાર ધડાકા થયા હશે. જો કે અધિકારીક તપાસ પછી જ આ મુદ્દે સ્પષ્ટતા થઈ શકે.