AIMCના રિઝવાન તારાપુરીએ પ્લેન ક્રેશ અંગે દુ:ખ વ્યકત કર્યું,બચાવ કામગીરી માટે ટીમ કરાઇ રવાના

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના – ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધું છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી લંડન ગેટવિક જઈ રહેલું એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન (ફ્લાઇટ AI171) ટેકઓફની થોડી જ ક્ષણોમાં મેઘનીનગર વિસ્તારમાં ક્રેશ થયું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર આશરે 242 લોકો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે.

એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના- આ ઘટના અંગે ઓલ ઇન્ડિયા મિલ્લી કાઉન્સિલ ગુજરાતના પ્રમુખ મુફતી રીઝવાન તારાપુરીએ ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. મુફતી રીઝવાને જણાવ્યું કે, “મિલ્લી કાઉન્સિલની ટીમ બચાવ કામગીરીમાં તાત્કાલિક જોડાશે. અમે માનવતાના ધોરણે જરૂરી તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ. ઇજાગ્રસ્તો માટે લોહીની બોટલોની જરૂર પડશે તો તે પણ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવશે.ટીમ સત્વરે રવાના કરાવવામાં આવી છે.

દુર્ઘટનાની વિગતો
આ ઘટના 12 જૂન 2025ના રોજ બપોરે 1:38 વાગ્યે બની, જ્યારે વિમાન રનવે 23 પરથી ટેકઓફ કરી રહ્યું હતું. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અનુસાર, વિમાનના પાયલટ કેપ્ટન સુમીત સભરવાલ, જેમની પાસે 8,200 કલાકનો ઉડ્ડયન અનુભવ હતો, અને કો-પાયલટ ક્લાઇવ કુંડર, જેમની પાસે 1,100 કલાકનો અનુભવ હતો, એ ટેકઓફ બાદ તરત જ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને મેડે (MAYDAY) સિગ્નલ મોકલ્યું હતું, જે ગંભીર ખતરાની સૂચના આપે છે. જોકે, આ પછી વિમાને ATCના કોલનો જવાબ આપ્યો ન હતો, અને થોડી જ ક્ષણોમાં વિમાન એરપોર્ટની બાઉન્ડ્રીની બહાર ક્રેશ થયું.

ક્રેશ સ્થળેથી ગાઢ કાળો ધુમાડો ઉઠતો જોવા મળ્યો, અને આગની જ્વાળાઓએ આસપાસના વિસ્તારને ઘેરી લીધો. ફાયર ઓફિસર જયેશ ખડિયાએ જણાવ્યું કે, “વિમાન ક્રેશ થતાંની સાથે જ આગ લાગી ગઈ, અને ફાયર ટેન્ડર્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *