બરેલી: ઉત્તર પ્રદેશના બરેલી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે અને જુમ્માની નમાઝને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર ફરી એકવાર એલર્ટ મોડ પર છે. ગત શુક્રવારે (૨૬ સપ્ટેમ્બર) થયેલા બબાલ બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ હોવા છતાં, તકેદારીના ભાગરૂપે ફરીથી ઇન્ટરનેટ સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
શાસનના નિર્દેશ પર જિલ્લામાં ગુરુવારે (આજે) બપોરે ૩:૦૦ વાગ્યાથી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. જાહેર કરાયેલા આદેશ મુજબ, આ સેવા આગામી ૪ ઓક્ટોબર (શનિવાર) બપોરે ૩:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન SMS સેવા પણ બંધ રહેશે.
ઇન્ટરનેટ બંધ થવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. BSNL ના જનરલ મેનેજર (GM) પંકજ પોરવાલે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, શાસનના આદેશને પગલે બે દિવસ માટે ઇન્ટરનેટ સેવા સ્થગિત કરવામાં આવી છે.દશેરાનો તહેવાર અને ત્યારબાદ જુમ્માની નમાઝને જોતાં શહેરભરમાં પોલીસ અને વહીવટીતંત્રની ચોકસાઈ વધારી દેવામાં આવી છે. શહેરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, સુરક્ષા માટે અન્ય જિલ્લાઓમાંથી બોલાવવામાં આવેલી પોલીસ ટુકડીઓને પણ ૪ ઓક્ટોબર સુધી રોકી લેવામાં આવી છે, જેથી કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે.
આ પણ વાંચો: ગુજરાત ભાજપના પ્રમુખની જાહેરાત આ દિવસે કરવામાં આવશે,પ્રમુખની દાવેદારીમાં આ નામો સૌથી આગળ