અંબાલાલ પટેલે કરી ઓગસ્ટ મહિનામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, રાજ્યમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને 6થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે, જે ખેડૂતો માટે સારા સમાચાર લઈને આવશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદથી ભરપૂર રહેશે. શ્રાવણ મહિનાની શરૂઆતથી જ વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે સમગ્ર મહિના દરમિયાન સારો વરસાદ પડવાની શક્યતા છે. તેમણે ખાસ કરીને 6થી 10 ઓગસ્ટના સમયગાળાને ભારે વરસાદનો ગાળો ગણાવ્યો, જે રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરશે.
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ, 29 જુલાઈ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 12 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. પવનની સ્થિતિ અનુકૂળ હોવાથી અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આ હવામાન પરિસ્થિતિ ઉદ્ભવશે.ભારતીય હવામાન વિભાગ (IMD)એ પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. 29 જુલાઈએ સુરત, નવસારી, નર્મદા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *