રોજા’ અને ‘રોજી : ગુજરાતના ઐતિહાસિક વારસાને જાળવવાના પ્રયાસરૂપે, મહેમદાવાદ સ્થિત બે અતિ મહત્વના રાષ્ટ્રીય સ્મારકો (નેશનલ મોન્યુમેન્ટસ) ‘રોજા’ અને ‘રોજી’ ની ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (આર્કોલોજિકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા – ASI) વિભાગ દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી. આ નિરીક્ષણ માટે ASI ગુજરાતના સુપરિટેન્ડેન્ટ મજમુદાર અને તેમની વરિષ્ઠ અધિકારીઓની ટીમે સ્થળ પર હાજરી આપી હતી.

ટીમે આ બંને પ્રાચીન સ્મારકોની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી અને તેમની હાલની સ્થિતિનો સર્વે કર્યો હતો. આ સ્મારકોના સંરક્ષણ અને સમારકામ (રખરખાવ) માટે તાત્કાલિક ધોરણે જે કામગીરી શરૂ કરવાની જરૂર છે, તેની તમામ વિગતો એકત્રિત કરવામાં આવી છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે આ ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે જરૂરી કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવશે.

તકતી પરની ભૂલ સુધારાશે:
રોજા’ અને ‘રોજી: આ મુલાકાત દરમિયાન એક અત્યંત મહત્ત્વનો મુદ્દો ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. રોજાના બાંધકામની તારીખ અંગેની તકતી પર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં ઐતિહાસિક દૃષ્ટિએ ભૂલ હોવાની મહેમદાવાદના ઇતિહાસકાર મુસ્તાક મલેકની અરજીને અધિકારીઓએ ગ્રાહ્ય રાખી હતી. સુપરિટેન્ડેન્ટ મજમુદારે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી હતી અને બાંયધરી આપી હતી કે હવે પછી જે પણ નવી તકતી અહીં મૂકવામાં આવશે, તેમાં ઐતિહાસિક સત્યતાના આધારે સુધારણા કરીને જ તારીખનો ઉલ્લેખ કરવામાં આવશે. આનાથી ઇતિહાસની યોગ્ય માહિતી જનતા સુધી પહોંચશે. ASIની આ સક્રિયતાથી મહેમદાવાદના ઇતિહાસ અને વારસાને નવું બળ મળશે અને રોજા-રોજીની ભવ્યતા જળવાઈ રહેશે.
આ પણ વાંચો: ઘરે બેઠા જ કરો 2002ની ગુજરાત મતદાર યાદી ડાઉનલોડ,જાણો AtoZ પ્રોસેસ!

