આજે દેશના નાણામંત્રીએ સંસદમાં બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રોમાં ઘણી મોટી જાહેરાતો કરી. તેમણે પીએમ રિસર્ચ ફેલોશિપ વિશે પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં IIT અને IIScમાં ટેકનિકલ સંશોધન માટે PM રિસર્ચ ફેલોશિપ સ્કીમ હેઠળ 10,000 ફેલોશિપ આપવામાં આવશે.
તેમણે સમગ્ર પૂર્વીય ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ ટેક્નોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટની સ્થાપના કરવાની પણ જાહેરાત કરી હતી.
આગામી પાંચ વર્ષમાં 75,000 મેડિકલ સીટો ઉમેરવામાં આવશે
નાણામંત્રીએ કહ્યું કે સરકારે 10 વર્ષમાં લગભગ 1.1 લાખ અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન સીટોનો ઉમેરો કર્યો છે, જે 130 ટકાનો વધારો છે. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં 75,000 બેઠકો ઉમેરવાના લક્ષ્યાંક તરફ આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 વધારાની બેઠકો ઉમેરવામાં આવશે.
જ્ઞાન ભારતમ મિશન શરૂ થશે
તેમણે કહ્યું કે જ્ઞાન ભારતમ મિશન શૈક્ષણિક સંસ્થાઓ, સંગ્રહાલયો, પુસ્તકાલયો અને ખાનગી કલેક્ટર્સ સાથે અમારી હસ્તપ્રત વારસાનું સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ કરવા માટે શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે તેમાં 1 કરોડથી વધુ હસ્તપ્રતો સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જ્ઞાનના આદાનપ્રદાન માટે ભારતીય જ્ઞાન પ્રણાલીનો રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર સ્થાપિત કરવામાં આવશે.