ગુજરાત પેન્શનરોને લાભ —ગુજરાતના પેન્શનરો (Gujarat Pensioners), ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોની (Pensioners) સુવિધા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હયાતી (લાઇફ સર્ટિફિકેટ) ખરાઈની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હવે પેન્શનરોને આ સેવા વિનામૂલ્યે તેમના ઘરઆંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ થશે, જેમાં ખાસ કરીને શારીરિક અશક્તતાનો સામનો કરતા વૃદ્ધ પેન્શનરોનો સમાવેશ થાય છે.
ગુજરાત પેન્શનરોને લાભ – હાલની પ્રક્રિયા મુજબ, પેન્શનરોને હયાતી ખરાઈ માટે બેંક અથવા સંબંધિત કચેરીની મુલાકાત લેવી પડે છે, જે વૃદ્ધો અને શારીરિક રીતે અશક્ત પેન્શનરો માટે મુશ્કેલી ભર્યું હોય છે. પેન્શનરોની આ રજુઆતોને ધ્યાનમાં લઈને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે.
આ સેવાને અમલમાં મૂકવા માટે ગુજરાત સરકારે ભારતીય ટપાલ વિભાગ અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) સાથે સમજૂતી કરાર (MOU) કર્યા છે. આ કરાર અંતર્ગત, પોસ્ટ ઓફિસના કર્મચારીઓ પેન્શનરોના ઘરે રૂબરૂ મુલાકાત લઈને હયાતી ખરાઈની પ્રક્રિયા નિ:શુલ્ક પૂર્ણ કરશે. આ સેવા પેન્શનરો માટે વધારાના વિકલ્પ તરીકે ઉપલબ્ધ રહેશે, જ્યારે હાલના અન્ય વિકલ્પો (જેમ કે બેંક અથવા ઓનલાઇન ખરાઈ) પણ યથાવત ચાલુ રહેશે.
આ પહેલ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના વિઝનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બેંકિંગ સેવાઓને સરળ અને સુલભ બનાવવાનો હતો. ગુજરાત સરકારનો આ નિર્ણય આ વિઝનને આગળ વધારે છે, જેનાથી પેન્શનરોને ઘરે બેસીને સેવા મેળવવાની સુવિધા મળશે.
આ પણ વાંચો- પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં મહેમદાવાદ જડબેસલાક બંધ,વેપારીઓમાં ભારે આક્રોશ