ભારતીય રેલવે (Indian Railways) પોતાના લાખો યાત્રીઓ માટે એક મોટી રાહતભરી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. હવે કન્ફર્મ ટ્રેન ટિકિટની મુસાફરીની તારીખ બદલવા માટે યાત્રીઓએ ટિકિટ રદ નહીં કરવી પડે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ નવી ઓનલાઈન સિસ્ટમ જાન્યુઆરી 2026 થી લાગુ કરવામાં આવશે. આનાથી યાત્રીઓને ટિકિટ રદ કરાવવાના (કેન્સલેશન) ચાર્જ ભરવાની મુશ્કેલીમાંથી મુક્તિ મળશે.
હાલના નિયમોથી યાત્રીઓને પડતી તકલીફ
વર્તમાન નિયમો મુજબ, જો કોઈ યાત્રી પોતાની મુસાફરીની તારીખ બદલવા માંગે છે, તો તેણે ફરજિયાતપણે જૂની ટિકિટ રદ કરીને નવી ટિકિટ બુક કરાવવી પડે છે. આ પ્રક્રિયામાં સમયના આધારે મોટી રકમ કપાઈ જાય છે. ઉદાહરણ તરીકે, મુસાફરીના 48થી 12 કલાક પહેલાં ટિકિટ રદ કરવા પર 25% સુધીનો ચાર્જ કપાય છે, જ્યારે ચાર્ટ બન્યા પછી તો રિફંડ મળવું પણ મુશ્કેલ બની જાય છે.
નવી સુવિધામાં શું મળશે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી તારીખે ટિકિટ કન્ફર્મ મળશે કે નહીં, તે સંપૂર્ણપણે સીટની ઉપલબ્ધતા પર આધાર રાખશે.
જો નવી તારીખે ટિકિટનું ભાડું વધુ હશે, તો યાત્રીને માત્ર ભાડાનો તફાવત (ડિફરન્સ) ચૂકવવો પડશે.
સૌથી અગત્યની વાત એ છે કે, મુસાફરીની તારીખ બદલવા પર કોઈ વધારાનો શુલ્ક (એડિશનલ ચાર્જ) કે પેનલ્ટી લાગશે નહીં.
રેલવેનું આ પગલું એવા લાખો યાત્રીઓ માટે મોટી રાહત લાવશે, જેમની યોજનાઓમાં અવારનવાર ફેરફાર થવાથી ટિકિટ રદ કરવી પડતી હોય છે અને આર્થિક બોજ વધતો હોય છે.
રેલવે બોર્ડના કડક નિર્દેશ
આ દરમિયાન, રેલવે બોર્ડે તમામ ઝોનને એક કડક નિર્દેશ આપ્યો છે. હવેથી કોઈપણ નવી પરિયોજના પર કામ શરૂ કરતાં પહેલાં તેનું ટ્રાફિક સ્ટડી કરાવવો ફરજિયાત છે. ત્યારબાદ જ ફાઇનલ લોકેશન સર્વે (FLS) અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવશે. બોર્ડનું કહેવું છે કે ઘણા ઝોન આ પ્રક્રિયાનું પાલન કરતા નહોતા, જેના કારણે આ નવો કડક નિર્દેશ જારી કરાયો છે.