Ayushman Card Scam : અમદાવાદમાં બોગસ આયુષમાન કાર્ડ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે મળીને સરકારી પોર્ટલમાં ચેડા કરી 1500થી 2000 રૂપિયામાં ખોટા PMJAY કાર્ડ બનાવ્યા હતા. તપાસમાં નિમેષ ડોડિયા અને અન્યોએ ટેક્નિકલ ખામીનો ફાયદો ઉઠાવી આશરે 1200થી વધુ બોગસ કાર્ડ બનાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી.
કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂત સહિત 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીઓએ સરકારી પોર્ટલમાં ચેડા કરીને ફક્ત ₹1500માં ખોટાં કાર્ડ બનાવી લાખો રૂપિયાની સારવારનો ખોટો લાભ ઉઠાવ્યો હતો. પોલીસ તપાસમાં કૌભાંડના અન્ય રાજ્યો સાથે જોડાણની શક્યતા પર પણ તપાસ ચાલી રહી છે. સરકારી આંકડા પ્રમાણે ખ્યાતિ હોસ્પિટલએ 4947 ઓપરેશન માટે 26 કરોડથી વધુના ક્લેમ કર્યા હતા. કૌભાંડ બાદ રાજ્ય સરકારે PMJAY નિયમોમાં સુધારા કરી ઓડિટ અને વિડીયો અપલોડ જેવા કડક નિયમો અમલમાં મૂકવાની જાહેરાત કરી છે.
ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનામાં 2021ના મેથી 2024ના નવેમ્બરના સમયગાળા દરમિયાન કુલ 4947 ઓપરેશન્સ કર્યા હતા. આ ઓપરેશન્સ માટે તેમણે કુલ ₹26 કરોડથી વધુનો ક્લેમ દાખલ કર્યો હતો. જોકે, એ હોસ્પિટલને કેટલા પૈસા મળ્યા તે સ્પષ્ટ નથી. 43 મહિનામાં આ રકમના ક્લેમ કરવામાં આવ્યા, અને આ કેસની તપાસ હજુ પણ ચાલી રહી છે.