નકલી દાગીનાનો વિવાદ, પરિવારોમાં આક્રોશ
રાજકોટ સમૂહલગ્ન નકલી દાગીના- સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં નવવધૂઓને આપવામાં આવેલા દાગીના ખોટા હોવાનું સામે આવતાં અનેક પરિવારોમાં ગુસ્સો અને નિરાશાનો માહોલ છે. પરિવારોએ આયોજકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા પોલીસે તપાસ શરૂ કરી છે. અગાઉ પણ રાજકોટમાં સમૂહલગ્નને લઈને વિવાદ થયો હતો, જેના કારણે આ ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
આયોજકનું શું છે નિવેદન?
આ મામલે સર્વજ્ઞાતિ સમૂહલગ્નના આયોજક અને શિવાજી સેનાના પ્રમુખ વિક્રમ સોરાણીએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, દાગીના તેમના દ્વારા નહીં, પરંતુ દાતાઓ દ્વારા આપવામાં આવ્યા હતા. જો દાગીનામાં કોઈ ખામી હોય તો તેને બદલી આપવા તેઓ તૈયાર છે. વિક્રમ સોરાણીએ એમ પણ કહ્યું કે, કરિયાવરમાં માત્ર એક સોનાની ચૂક આપવામાં આવી હતી, અન્ય કોઈ સોનાનો દાગીનો આપવામાં આવ્યો નથી. જો ચૂક ખોટી હોવાનું જણાય તો તેને બદલવાની ખાતરી પણ તેમણે આપી છે.
પોલીસે શરૂ કરી તપાસ
નકલી દાગીનાની ફરિયાદને પગલે પોલીસે આ મામલે ગંભીરતા દાખવી છે. આયોજકો અને દાતાઓની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. પરિવારોની નારાજગી અને સામાજિક આક્રોશને ધ્યાનમાં રાખીને પોલીસ આ ઘટનાને વધુ ઊંડાણપૂર્વક તપાસી રહી છે.
અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે સમૂહલગ્ન
રાજકોટમાં આ પહેલા પણ સમૂહલગ્નને લઈને વિવાદો સામે આવ્યા છે. આવા કાર્યક્રમોમાં છેતરપિંડીની આશંકા લોકોના મનમાં ઊભી થઈ છે. નકલી દાગીનાનો આ મામલો હવે સમૂહલગ્નની વિશ્વસનીયતા પર સવાલ ઉભો કરી રહ્યો છે