Budget 2026 Gujarat : ગુજરાત પર કેન્દ્રીય બજેટની મહેર! જામનગરમાં ગ્લોબલ આયુર્વેદ સેન્ટરની મોટી જાહેરાત

Union Budget 2026

Budget 2026 Gujarat : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા નવમા બજેટમાં ગુજરાતના બે મહત્વના શહેરો, સુરત અને જામનગર માટે મોટી ભેટ આપી છે. ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે રજૂ થયેલા આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સેક્ટર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાતના આર્થિક વિકાસને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

Budget 2026 Gujarat : સુરતથી બંગાળ સુધીનો નવો વ્યાપાર કોરિડોર

સુરતના હીરા અને કાપડ ઉદ્યોગને દેશના પૂર્વીય છેડા સાથે જોડવા માટે સરકારે સુરતથી પશ્ચિમ બંગાળના દાનકુની સુધીના નવા ‘ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર’ની જાહેરાત કરી છે. આ કોરિડોર માત્ર માલસામાનની હેરફેર જ નહીં, પણ સુરતના વેપારીઓ માટે બંગાળ સહિતના પૂર્વ ભારતના બજારોના દ્વાર ખોલશે. આ પ્રોજેક્ટ હેઠળ કાર્ગોની ઈકો-ફ્રેન્ડલી અવરજવરને પ્રોત્સાહન આપવામાં આવશે, જેનાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં મોટો ઘટાડો થશે અને સુરતની કનેક્ટિવિટી વૈશ્વિક સ્તરની બનશે.

જામનગર: વિશ્વનું આયુર્વેદિક હેડક્વાર્ટર

જામનગરની આયુર્વેદિક ઓળખને હવે નવી ઊર્જા મળશે. નાણામંત્રીએ જામનગર ખાતે કાર્યરત WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ દેશમાં ત્રણ નવી ‘ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ’ સ્થાપવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર અને રિસર્ચ સુવિધાઓનો વિસ્તાર થશે. આયુષ ફાર્મસીઓ અને ડ્રગ ટેસ્ટિંગ લેબોરેટરીઓના અપગ્રેડેશનથી જામનગર આયુર્વેદ ક્ષેત્રે વિશ્વનું નેતૃત્વ કરશે.

કન્યા શિક્ષણ અને બ્લુ ઇકોનોમી પર ભાર

સામાજિક ક્ષેત્રે સરકારે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે, હવે દેશના દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવશે, જે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોની દીકરીઓ માટે શિક્ષણના માર્ગ મોકળા કરશે. ઉપરાંત, જળમાર્ગો દ્વારા વેપાર વધારવા માટે આગામી 5 વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો શરૂ કરવાની યોજના છે. આ પગલાથી ગુજરાતના બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે.

આ પણ વાંચો : સંરક્ષણ બજેટમાં 1 લાખ કરોડનો જંગી વધારો, રાફેલ, સબમરીન અને મિસાઈલથી સજ્જ થશે ભારતની સેના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *