Champions Trophy 2025 NZ vs SA: બીજા સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ન્યુઝીલેન્ડે ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું. આ મેચમાં ત્રણ સદી જોવા મળી હતી, જેમાંથી 2 ન્યુઝીલેન્ડ અને એક દક્ષિણ આફ્રિકાએ ફટકારી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી ડેવિડ મિલરે વિસ્ફોટક બેટિંગ કરીને સદી ફટકારી હતી. ભલે તે પોતાની ટીમને જીત તરફ દોરી ન શક્યો, પરંતુ આ સદી સાથે ડેવિડ મિલરે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડીને ઇતિહાસ રચી દીધો છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી ઝડપી સદી
ડેવિડ મિલર હવે ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં મિલરે માત્ર 67 બોલમાં સદી ફટકારી હતી. પોતાની ઇનિંગ દરમિયાન મિલરે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. આ સાથે ડેવિડ મિલરે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગને પાછળ છોડી દીધો છે. સેહવાગે 2002માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લેન્ડ સામે 77 બોલમાં સદી ફટકારી હતી.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી ઝડપી સદી ફટકારનારા બેટ્સમેન
રેન્ક | ખેલાડી | ટીમ | વિરોધી ટીમ | બોલમાં શતક | સ્થાન | વર્ષ |
---|---|---|---|---|---|---|
1 | ડેવિડ મિલર | દક્ષિણ આફ્રિકા | ન્યૂઝીલેન્ડ | 67 | લાહોર, સેમિફાઇનલ | 2025 |
2 | વીરેન્દ્ર સહવાગ | ભારત | ઈંગ્લેન્ડ | 77 | કોલંબો | 2002 |
3 | જોશ ઇન્ગ્લિસ | ઓસ્ટ્રેલિયા | ઈંગ્લેન્ડ | 77 | લાહોર | 2025 |
4 | શિખર ધવન | ભારત | દક્ષિણ આફ્રિકા | 80 | કાર્ડિફ | 2013 |
5 | તિલકરત્ને દિલશાન | શ્રીલંકા | દક્ષિણ આફ્રિકા | 87 | સેન્ટુરિયન | 2009 |
દક્ષિણ આફ્રિકા ટુર્નામેન્ટમાંથી બહાર
ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ, દક્ષિણ આફ્રિકાની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગઈ છે. આ મેચમાં, પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે રચિન રવિન્દ્ર અને કેન વિલિયમસનની સદીઓની મદદથી 362 રન બનાવ્યા. આ પછી, દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 312 રન જ બનાવી શકી.