દાહોદ મનરેગા કૌભાંડ – દાહોદ જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચાર ઝડપાતાં પોલીસ અને તપાસ એજન્સીઓએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં ગુજરાતના પંચાયત અને કૃષિ રાજ્ય મંત્રી બચુ ખાબડના બંને પુત્રો, બળવંત ખાબડ અને કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ડેપ્યુટી ટીડીઓ રસિક રાઠવા અને એપીઓ દિલીપ ચૌહાણ સહિત અન્ય અધિકારીઓ પણ કસ્ટડીમાં છે. આ કેસમાં 73 કરોડથી વધુના નાણાકીય ગેરરીતિઓની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
નકલી કામો અને બોગસ બિલ્સ દ્વારા કરોડોની ઉચાપત
દાહોદ મનરેગા કૌભાંડ- આરોપ છે કે કિરણ ખાબડે શ્રી રાજ ટ્રેડર્સ નામની એજન્સી દ્વારા નકલી બિલ્સ, બોગસ મેપિંગ અને ફેક ઓર્ડર્સનો ઉપયોગ કરીને અંદાજે 5 કરોડથી વધુની રકમનો ભ્રષ્ટાચાર આચર્યો. તેવી જ રીતે, બળવંત ખાબડની શ્રી રાજ કન્સ્ટ્રક્શન કંપનીએ કામ કર્યા વગર જ બે ખાતામાંથી 82 લાખથી વધુની રકમ ઉપાડી હોવાના દસ્તાવેજી પુરાવા સામે આવ્યા છે.
આ કૌભાંડમાં 35થી વધુ કન્સ્ટ્રક્શન એજન્સીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે, જેમણે મિલીભગતથી બિડિંગ પ્રક્રિયા વગર જ નાણાં મેળવ્યાં. દેવગઢ બારિયા અને ધનપુર તાલુકામાં 2021થી 2024 દરમિયાન ઘણાં પ્રોજેક્ટ્સ શરૂ જ નહોતા કરાયા અથવા તેમના ખર્ચને અતિશયોક્તિભર્યું દર્શાવી ચૂકવણી કરાઈ હતી.
DRD કચેરી અને જિલ્લા પંચાયત પર સવાલો
સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRD) અને જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓની સંડોવણી વગર શક્ય નથી. લોકો ઉચ્ચ સ્તરીય તપાસ અને મોટા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેક્ટર બી. એમ. પટેલે ગેરરીતિઓની ફરિયાદ બાદ ઓડિટ હાથ ધર્યું હતું, જેમાં આ કૌભાંડનો પર્દાફાશ થયો. કોંગ્રેસ પાર્ટીએ પણ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને SIT તપાસની માંગ કરી છે.
પોલીસ અને એનફોર્સમેન્ટ એજન્સીઓની તપાસ
પોલીસ અને એનફોર્સમેન્ટ એજન્સીઓ હાલ ટેન્ડર પ્રક્રિયા, લેનદેન અને ખાતાઓ સંબંધિત તમામ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. રાજ્ય સરકારે આ મામલે ગંભીરતા દાખવી છે, અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓની સંભાવના છે.આ ઘટનાએ ગુજરાતના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે, અને લોકો આશા રાખે છે કે આ કૌભાંડના તમામ ગુનાહિતો સામે કડક કાર્યવાહી થશે.
આ પણ વાંચો – અમદાવાદમાં 700 વર્ષ જૂના ત્રિકમજી મંદિરની જમીન પર ભૂમાફિયાનો કબજો, 7 આરોપીઓ સામે FIR