મહેમદાવાદ શહેરના ખાત્રેજ દરવાજા બહાર આવેલા આખરી મુકામ કબ્રસ્તાનમાં તાજેતરમાં ઓવરબ્રિજની કામગીરીના ભાગરૂપે ઓડા (ઔડા) દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, આ કામગીરી પૂર્ણ થયા બાદ હવે વિસ્તારમાં આવેલી કબરોને નુકસાન થવાની ઘટના સામે આવતા સ્થાનિક મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણી દુભાઈ છે.

મળતી માહિતી મુજબ, ઓડા દ્વારા રોડ પહોળો કરવા માટે કબ્રસ્તાનની હદમાં આવેલું દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.. સ્થાનિકોએ દબાણની કામગીરી સમયસર અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા અને ઓડાના અધિકારીઓને પત્ર પણ લખ્યો હતો.
જોકે, દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ થયા પછી, કબ્રસ્તાનની જમીન પર આવેલા કેટલીક કબરોને નુકસાન પહોંચ્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ જમીન પરથી ઓડા દ્વારા માટી ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ જે બાઉન્ડ્રી બનાવવામાં આવી છે, તેના કારણે કબરોને નુકસાન થયું છે.

આ ઘટના અંગે સ્થાનિકોએ સ્થળ પર ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને માગણી કરી છે કે, સત્તાવાળાઓ દ્વારા ધાર્મિક લાગણીને ધ્યાનમાં રાખીને નુકસાન પામેલી કબરોનું સમારકામ કરવામાં આવે. સ્થાનિક પ્રતિનિધિઓએ આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો વહેલી તકે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો તેઓ વ્યાપક આંદોલન કરશે.
ઓડાના અધિકારીઓએ આ મામલે યોગ્ય તપાસ હાથ ધરીને કબરોને થયેલા નુકસાનનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હોવાના અહેવાલો છે, પરંતુ સમારકામની કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

