મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી- મહેમદાવાદ એક એવું શહેર જે દેશી દારૂના ગેરકાયદેસર કારોબારના એપીસેન્ટર તરીકે ઓળખાય છે, ત્યાં હવે નશીલા પદાર્થોની એન્ટ્રીએ ચિંતાનું મોજું ફેલાવ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં મહેમદાવાદ પોલીસ મથકે નશીલા પદાર્થો સંબંધિત બે કેસ નોંધાયા છે, જે શહેરના યુવાધનના ભવિષ્ય માટે ખતરાની ઘંટડી છે. દેશી દારૂની ફેક્ટરીઓ બોરીરોજીમાં આજેપણ ધમધમતી હોય તેમાં હવે ગાંજા અને કોડેઇન યુક્ત સીરપ જેવા નશીલા પદાર્થોનું વેચાણ શરૂ થયું છે, જે શહેરની શાંતિ અને સલામતી માટે ગંભીર પડકાર ઉભો કરી રહ્યું છે.શહેરના યુવાધન નશીલા પદાર્થના સેવનમાં ગરકાવ થઇ રહ્યા છે, જે ખુબ જ ચિંતાજનક છે.
નશીલા પદાર્થોનો ધંધો: બહારથી આવતી ગેંગ સક્રિય
મહેમદાવાદમાં નશીલા પદાર્થોની એન્ટ્રી– સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ વધારવા માટે બહારના ગામડાઓ અને શહેરોમાંથી ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગ ખાસ કરીને યુવાનોને નશાની લતે ચઢાવવાનું કામ કરી રહી છે, જે શહેરના ભવિષ્યને બરબાદીના રવાડે ચઢાવી રહ્યું છે. જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. એક નાગરિકે નામ ન આપવાની શરતે જણાવ્યું, “અમારું શહેર પહેલેથી જ દેશી દારૂના દૂષણથી પીડાઈ રહ્યું છે, હવે ગાંજા અને નશીલી દવાઓની એન્ટ્રીએ યુવાનોનું ભવિષ્ય અંધકારમય બનાવ્યું છે.
પોલીસની કાર્યવાહી: બે કેસમાં ધરપકડ
મહેમદાવાદ પોલીસ અને એસઓજીની સતર્કતાથી આ નશીલા કારોબાર પર થોડો અંકુશ લાગ્યો છે. પ્રથમ કેસમાં, એસઓજીને બાતમી મળી હતી કે ઇકબાલ સ્ટ્રીટમાં ભાડે રહેતો શખ્સ સકિલ મીયાં મલેક ગેરકાયદેસર રીતે કોડેઇન યુક્ત નશીલી સીરપનું વેચાણ કરી રહ્યો હતો. આ શખ્સ યુવાનોને નશાની લતે ચઢાવવાનું કામ કરતો હતો. એસઓજીએ રેઇડ કરીને સકિલની ધરપકડ કરી અને તેની પાસેથી નશીલી સીરપ જપ્ત કરી. જોકે, જે આ સીરપનું હોલસેલમાં વેચાણ કરનાર જીમિત સોની હાલ ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે.
બીજા કેસમાં, ખાત્રેજ દરવાજા બહાર આઇસા મસ્જિદ પાસેના ખેતરમાંથી મહેમદાવાદ પોલીસે ગાંજાનો ધંધો કરતા મકરૂદ્દીન મલેકની ગાંજાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી. આ આધેડ શખ્સ પટેલાદ ગામનો વતની છે અને શહેરમાં ગાંજાનું વેચાણ કરતો હતો. આ બંને કેસે શહેરમાં નશીલા પદાર્થોના વધતા પ્રભાવને ઉજાગર કર્યો છે.
પોલીસ સતર્ક, પણ સમાજની જવાબદારી?
મહેમદાવાદની આ સ્થિતિ એક ગંભીર ચેતવણી છે. દેશી દારૂના દૂષણથી માંડીને હવે ગાંજા અને કોડેઇન જેવા નશીલા પદાર્થોની એન્ટ્રી સુધી, શહેરની યુવા પેઢી નશાના ચુંગાલમાં ફસાઈ રહી છે. પોલીસની સતર્કતા નિશ્ચિતપણે વખાણવાલાયક છે, પરંતુ શું આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લવાશે? સમાજ માતા-પિતા અને શિક્ષણ સંસ્થાઓએ યુવાનોને આ નશાના રવાડેથી બચાવવા માટે કોઈ યોગ્ય પગલાં લેવા પડશે.
આ ગેંગની બહારના શહેરોમાંથી એન્ટ્રી એ દર્શાવે છે કે મહેમદાવાદ નશીલા કારોબાર માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યું છે. આપણે બધાએ સવાલ કરવો જોઈએ કે આવા ગેરકાયદેસર ધંધા આટલી સરળતાથી શા માટે ફૂલીફાલી રહ્યા છે? શું સ્થાનિક વહીવટ અને સમાજની નિષ્ક્રિયતા આનું કારણ નથી?