પવિત્ર રમઝાન માસના આગમન પૂર્વે જરૂરિયાતમંદ પરિવારોને સહાયભૂત થવાના ઉમદા આશય સાથે આજે કેસરા મુકામે એક વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સેવાની સરવાણી વહાવતા નિઃશુલ્ક અનાજ વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ ભગીરથ કાર્યમાં નોર્થ વેસ્ટ રીલીફ ટ્રસ્ટ અને મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના સંયુક્ત સહયોગથી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને પચાસ કિલો વજનની અનાજની કીટો અર્પણ કરવામાં આવી હતી. આ અનાજ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, પવિત્ર રમઝાન માસ દરમિયાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ શાંતિથી ઈબાદત કરી શકે.

કાર્યક્રમ દરમિયાન સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રમઝાન એ માત્ર ઉપવાસનો જ નહીં પરંતુ માનવસેવા અને જરૂરિયાતમંદોના આંસુ લૂછવાનો પવિત્ર અવસર છે. આ હેતુને સાર્થક કરવા માટે જ આ નિઃશુલ્ક રાશન વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
કેસરા ખાતે યોજાયેલા આ આયોજનથી અનેક પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બંને સંસ્થાઓના સમન્વયથી થયેલા આ પ્રેરણાદાયી કાર્યની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો: મહેમદાવાદના ઐતિહાસિક ‘રોજા અને રોજી’ની ASI ટીમે કરી મુલાકાત,તકતી પરની ભૂલ ASI સુધારશે!

