Galgotias University : નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ માં ગેલગોટિયાસ યુનિવર્સિટી એક મોટા વિવાદમાં ફસાઈ છે. “મેક ઇન ઇન્ડિયા” ના મંચ પર ચીની કંપનીના રોબોડોગને પોતાની ‘સ્વદેશી’ શોધ ગણાવ્યા બાદ સોશિયલ મીડિયા પર થયેલા વ્યાપક આક્રોશને પગલે યુનિવર્સિટીએ સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને જાહેરમાં માફી માંગવી પડી છે. યુનિવર્સિટીએ આ સમગ્ર ઘટનાને “ગેરસમજ” ગણાવી છે અને તેનું દોષનું ઠીકરું ત્યાં હાજર પ્રતિનિધિ પર ફોડ્યું છે.
Galgotias University : ઉત્તેજનામાં ખોટી માહિતી અપાઈ
યુનિવર્સિટીએ પોતાની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે તેમના પેવેલિયન પર તૈનાત પ્રતિનિધિ પ્રોડક્ટના ટેકનિકલ મૂળ (Origin) થી અજાણ હતા. પ્રેસ રિલીઝ મુજબ, તે પ્રતિનિધિને મીડિયા સાથે વાત કરવા માટે સત્તાવાર રીતે અધિકૃત કરવામાં આવ્યા નહોતા. કેમેરા સામે આવવાના ઉત્સાહમાં તેમણે ઉત્પાદન વિશે અયોગ્ય અને ભ્રામક દાવા કર્યા હતા. યુનિવર્સિટીએ ભારપૂર્વક જણાવ્યું કે તેમનો ઈરાદો ક્યારેય ખોટી માહિતી ફેલાવવાનો નહોતો.
આખો વિવાદ શું હતો?
સમિટ દરમિયાન ગેલગોટિયાસ યુનિવર્સિટીના સ્ટોલ પર એક “રોબોડોગ” પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. યુનિવર્સિટીના પ્રતિનિધિ પ્રોફેસર નેહા સિંહે મીડિયા સમક્ષ તેને ‘ઓરિયન’ (Orion) નામ આપીને રજૂ કર્યો હતો અને દાવો કર્યો હતો કે તે યુનિવર્સિટીના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા વિકસાવવામાં આવ્યો છે.
જોકે, વીડિયો વાયરલ થતાં જ ટેકનિકલ નિષ્ણાતોએ સોશિયલ મીડિયા પર ઘટસ્ફોટ કર્યો કે આ રોબોડોગ વાસ્તવમાં ચીની રોબોટિક્સ કંપની Unitree નું Go2 મોડેલ છે, જે બજારમાં અંદાજે ₹2.5 લાખમાં ઉપલબ્ધ છે. ‘મેક ઇન ઇન્ડિયા’ ના પ્રમોશન માટે આયોજિત સરકારી કાર્યક્રમમાં વિદેશી પ્રોડક્ટને પોતાની ગણાવવી એ શરમજનક બાબત હોવાનું કહી લોકોએ યુનિવર્સિટીને ટ્રોલ કરી હતી.
આ પણ વાંચો: ફ્લાઈટમાં ગેરવર્તણૂક કરનારાઓની હવે ખેર નથી, DGCA એ નિયમો વધુ કડક બનાવવાની તૈયારી કરી

