વિસાવદર અને કડી પેટાચૂંટણી પરિણામ: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ શાનદાર વિજય હાંસલ કર્યો છે. 21 રાઉન્ડની મતગણતરી બાદ ગોપાલ ઇટાલિયાએ 17,581 મતોની જંગી લીડ સાથે ભાજપ અને કોંગ્રેસને પછાડી દીધા. આમ આદમી પાર્ટીને કુલ 75,906 મતો મળ્યા, જ્યારે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને 58,325 અને કોંગ્રેસના નીતિન રાણપરિયાને 5,491 મતો મળ્યા. વિસાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયા પર ભરોસો મૂકીને AAPની ‘કામની રાજનીતિ’ને સમર્થન આપ્યું છે.
કડીમાં ભાજપનો દબદબો:
વિસાવદર અને કડી પેટાચૂંટણી પરિણામ:કડી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 38,904 મતોની લીડ સાથે ભવ્ય જીત હાંસલ કરી છે. મતગણતરીના અંતે ભાજપને 98,836 મતો મળ્યા, જ્યારે કોંગ્રેસના રમેશ ચાવડાને 59,932 અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાને 3,077 મતો મળ્યા. NOTAને 1,692 મતો મળ્યા હતા. ભાજપે કડીમાં પોતાની મજબૂત પકડ જાળવી રાખી, અને કાર્યકર્તાઓમાં જીતનો જશ્ન જોવા મળ્યો.
રાજકીય સમીકરણો અને પ્રતિક્રિયાઓ:
વિસાવદરમાં AAPની જીતે ભાજપ અને કોંગ્રેસની રણનીતિઓને મોટો ફટકો આપ્યો છે. ગોપાલ ઇટાલિયાની આક્રમક પ્રચાર શૈલી અને ખેડૂતો તથા સામાન્ય જનતાના મુદ્દાઓએ મતદારોને આકર્ષ્યા. X પરની પોસ્ટ્સમાં AAPના સમર્થકો દ્વારા આ જીતને ‘મોદીના ગઢ’માં ઐતિહાસિક વિજય તરીકે ઉજવવામાં આવી રહી છે.બીજી તરફ, કડીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડાએ એકતરફી લીડ જાળવી રાખી, જે દર્શાવે છે કે ભાજપનું સંગઠન અને સ્ટાર પ્રચારકોની રણનીતિ અસરકારક રહી.
ચૂંટણીની વિગતો:
વિસાવદરમાં 56.89% અને કડીમાં 57.51% મતદાન નોંધાયું હતું. વિસાવદરમાં 294 મતદાન મથકો પર 2,61,052 મતદારોએ પોતાનો મતાધિકાર બજાવ્યો, જેમાં લેઉવા પટેલ, દલિત અને કોળી મતદારોની ભૂમિકા મહત્વની રહી. કડીમાં 289,927 મતદારો પૈકી 1,67,891 લોકોએ મતદાન કર્યું. ચૂંટણી પંચે શાંતિપૂર્ણ મતગણતરી માટે 200થી વધુ કર્મચારીઓ અને 21 રાઉન્ડની વ્યવસ્થા કરી હતી
આ પણ વાંચો- મહેમદાવાદમાં ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત 12મી ભવ્ય રથયાત્રા નીકળશે, 130 નિવૃત સૈનિકો કરશે રથનું સંચાલન