વિજય રૂપાણીના પાર્થિવ દેહ- અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતી એર ઇન્ડિયાની ફલાઇટ ક્રેશ થઇ ગઇ હતી જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું. આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી ફેલાઈ છે. 70 કલાકની તપાસ બાદ વિજય રૂપાણીનું ડીએનએ મેચ થતાં, આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ સંપન્ન થઇ હતી
રાજ્ય સરકાર દ્વારા ગાર્ડ ઓફ ઓનર
વિજય રૂપાણીના પાર્થિવ દેહ- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. શ્રદ્ધાંજલિ અર્પણ બાદ પાર્થિવ દેહ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સન્માન સાથે સોંપવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરાઈ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ
સિવિલ હોસ્પિટલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભા સાંસદ મયંક નાયક સહિત રાજકીય આગેવાનો, ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા. રાજ્ય સરકારે વિજય રૂપાણીના નેતૃત્વ, નૈતિકતા અને લોકહિતના કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી.
પ્લેન ક્રેશની વિગતો
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલા આ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણી સીટ નંબર 12D પર મુસાફરી કરી રહ્યા હતા. પ્લેન ક્રેશના 70 કલાક બાદ તેમનું ડીએનએ મેચ થયું, જેની પુષ્ટિ થતાં પરિવારને પાર્થિવદેહ સોંપવામાં આવ્યો. આજે સવારે રાજકોટમાં રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ યોજાઇ હતી.