Gujarat Budget 2026 : ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ₹૪,૦૮,૦૫૩ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને વિક્રમી બજેટ રજૂ કર્યું છે. ગત વર્ષની સરખામણીએ બજેટના કદમાં ૧૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં રમતગમત, પ્રવાસન, કૃષિ અને શહેરી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
Gujarat Budget 2026 : નાણામંત્રી કએ રજૂ કર્યું બજેટ
નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું આ બજેટ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પરંતુ આગામી દાયકાના ‘વિકસિત ગુજરાત’નો સચોટ રોડમેપ છે. રાજ્ય સરકારે આ બજેટમાં છેવાડાના માનવીથી લઈને મધ્યમ વર્ગ અને ઉદ્યોગ સાહસિકો સુધી તમામ વર્ગોને સ્પર્શવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને અમદાવાદને ઓલિમ્પિક માટે સજ્જ કરવાની નેમ અને ખેડૂતોને વ્યાજમુક્ત ધિરાણ આપવાની જાહેરાત દર્શાવે છે કે સરકાર વૈશ્વિક સ્તરના માળખાગત વિકાસની સાથે ગ્રામીણ અર્થતંત્રને પણ એટલી જ મજબૂતી આપી રહી છે. શિક્ષણ, આરોગ્ય અને પ્રવાસન ક્ષેત્રે કરવામાં આવેલી માતબર જોગવાઈઓ ગુજરાતને આગામી સમયમાં આર્થિક શક્તિ તરીકે વધુ ઉંચાઈ પર લઈ જશે.
બજેટની ૧૦ મહત્વની જાહેરાતો
૧. વિક્રમી બજેટ: રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત બજેટનું કદ ₹૪ લાખ કરોડને પાર કરી ગયું છે.
૨. ગુજરાત પ્રવાસન વર્ષ ૨૦૨૬: આગામી વર્ષ ૨૦૨૬ને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી પ્રવાસન ક્ષેત્રે રોજગારી અને વિકાસ વધશે.
૩. ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ: અમદાવાદમાં ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સ અને ૨૦૩૬ ઓલિમ્પિકની તૈયારી માટે ₹૧૨૭૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ‘ઓલિમ્પિક રેડી અમદાવાદ’ માટે સ્પોર્ટ્સ એન્કલેવ વિકસાવવા ₹૫૦૦ કરોડ ખર્ચાશે.
૪. કિસાન ક્રેડિટ કાર્ડ: ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને ₹૩ લાખ સુધીનું પાક ધિરાણ ઝીરો ટકા વ્યાજે આપવા માટે ₹૧૫૩૯ કરોડ ફાળવવામાં આવ્યા છે.
૫. ગુજરાત વાયર ફ્રી સિટી: શહેરોને સુંદર બનાવવા અને સુરક્ષા વધારવા માટે ઓવરહેડ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં ફેરવવા ₹૫૦૦ કરોડનું ‘વાયર ફ્રી સિટી મિશન’ શરૂ થશે.
૬. પોલીસ આવાસ: રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે ₹૧૫૭૧ કરોડના ખર્ચે ૨૦,૪૪૪ નવા મકાનો બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.
૭. ૫ નવી GIDC: દાહોદ (ઝાલોદ અને ગરબાડા), અરવલ્લી સહિતના વિસ્તારોમાં ૫ નવી ઔદ્યોગિક વસાહતો સ્થપાશે. સાથે જ ૨૫ હયાત GIDC ને સ્માર્ટ બનાવવામાં આવશે.
૮. મેટ્રો રેલ પ્રોજેક્ટ: અમદાવાદ અને સુરત મેટ્રોના વિસ્તરણ માટે ₹૨૨૧૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
૯. લિગ્નાઈટમાંથી ગેસ: પર્યાવરણની જાળવણી માટે લિગ્નાઈટમાંથી ગેસ ઉત્પાદન કરવાના પ્રોજેક્ટ માટે ₹૩૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.
૧૦. રક્ષા શક્તિ સ્કૂલ: શિક્ષણ ક્ષેત્રે નવીનતા લાવવા માટે રક્ષા શક્તિ સ્કૂલો શરૂ કરવામાં આવશે. નમો લક્ષ્મી યોજના માટે પણ ₹૧૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ‘મંથન’ સમિટના સફળ સમાપન બાદ ઉચ્ચ સ્તરીય સહકારી પ્રતિનિધિમંડળની આણંદ “ત્રિભુવન” યુનિવર્સિટીની મુલાકાત

