ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અને GUJCETની પરીક્ષાના પરિણામોની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે માર્ચ 2025માં લેવાયેલ પરીક્ષાઓનું પરિણામ 17 એપ્રિલ, 2025ના રોજ સવારે 9 વાગ્યાથી જાહેર કરવામાં આવશે.
પરિણામ ક્યાંથી જોઈ શકાય?
વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને GUJCETના પરિણામ માટે શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જઈ શકે છે. ત્યાં પોતાનો બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જોઈ શકાશે.
WhatsApp પરથી પણ જાણી શકો પરિણામ
પરિણામ જોવાનું વધુ એક સરળ માધ્યમ પણ ઉપલબ્ધ કરાવાયું છે. GSEB દ્વારા જાહેર કરાયેલા WhatsApp નંબર 6357300971 પર વિદ્યાર્થી પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરીક્ષાનું પરિણામ મેળવી શકે છે.
ગુણપત્રક અને પ્રમાણપત્ર અંગેની માહિતી
વિદ્યાર્થીઓના માર્કશીટ, પ્રમાણપત્ર તથા એસઆર શાળા મુજબ મોકલવાની કામગીરી સંબંધિત જાહેરાતો શિઘ્ર જ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ છે કે તેઓ અધિકૃત જાહેરાતોને જ અનુસરે અને પરિણામ સંબંધિત માહિતી માટે માત્ર અધિકૃત માધ્યમોનો જ ઉપયોગ કરે.