અમેરિકામાં ગુજરાતીની હત્યા- અમેરિકામાં ફરી એકવાર ગુજરાતી યુવકની ગોળી મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના વતની પરેશભાઈ સુમનભાઈ પટેલની ટેનેસીના લિવિસબર્ગમાં 20 મે, 2025ના રોજ એક સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ઘટનાની વિગતો
અમેરિકામાં ગુજરાતીની હત્યા- પરેશભાઈ પટેલ, જેઓ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં પોતાની પત્ની અને પાંચ વર્ષની દીકરી સાથે રહેતા હતા, તેઓ એક સ્ટોરમાં નોકરી કરતા હતા. 20 મે, 2025ના રોજ એક અજાણ્યો વ્યક્તિ ગ્રાહકના રૂપમાં સ્ટોરમાં આવ્યો. તેણે પહેલા કેટલીક વસ્તુઓની ખરીદી કરી અને ત્યારબાદ લૂંટના ઇરાદે પરેશભાઈ પર ફાયરિંગ કર્યું. આ ફાયરિંગમાં પરેશભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ સમગ્ર ઘટના સ્ટોરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
પોલીસ તપાસ અને આરોપી
પ્રાથમિક અહેવાલો અનુસાર, હત્યારો લૂંટના ઇરાદે સ્ટોરમાં આવ્યો હતો. લૂંટ ચલાવ્યા બાદ તેણે પરેશભાઈ પર ગોળી ચલાવી અને ફરાર થઈ ગયો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી આરોપીની ધરપકડની કોઈ માહિતી સામે આવી નથી.
ડીંગુચા ગામનો દુઃખદ ઇતિહાસ
આ ઘટનાએ ડીંગુચા ગામને ફરી એકવાર ચર્ચામાં લાવ્યું છે. આ પહેલા 19 જાન્યુઆરી, 2022ના રોજ, ડીંગુચા ગામના જગદીશ પટેલ (39), વૈશાલી પટેલ (37), અને તેમના બાળકો વિહાંગી (11) તથા ધાર્મિક (3) ગેરકાયદેસર રીતે અમેરિકા-કેનેડા સરહદ પાર કરવાના પ્રયાસમાં બરફમાં થીજી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાએ પણ ગામમાં શોકની લાગણી ફેલાવી હતી.
પરિવાર અને સમુદાયમાં શોક
પરેશભાઈની હત્યાના સમાચારથી તેમનો પરિવાર અને ડીંગુચા ગામ સ્તબ્ધ થઈ ગયું છે. ગુજરાતી સમુદાયમાં આ ઘટના અંગે ભારે દુઃખ અને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો- બિકાનેરમાં PM મોદીના આતંકવાદ પર પ્રહાર,22 મિનિટમાં આતંકવાદીઓનો કરાયો સફાયો