ગોંડલ શહેરમાં નિવૃત્ત વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને પૈસાની માંગણી તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગોંડલ પોલીસએ રાજકારણમાં સક્રિય રહેલી અને ક્ષત્રિય સમાજની આગેવાન તરીકે ઓળખાતી પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર ગણાતી તેજલબેન છૈયા હજુ સુધી પોલીસના હાથે લાગી નથી.
ગોંડલના જેતપુર રોડ વિસ્તારમાં રહેતા નિવૃત્ત વ્યક્તિ રમેશ અમરેલિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમને હનીટ્રેપમાં ફસાવીને શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવ્યા હતા. તેમની સાથે સંપર્કમાં આવેલ વ્યક્તિઓએ તેમને પકડવાની ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી.
પાંચ લોકો સામે ફરિયાદ, ચાર ઝડપાયા
આ ઘટનામાં કુલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી હવે સુધી પદ્મિનીબા વાળા, તેમનો પુત્ર સત્યજિતસિંહ, શ્યામ રાયચુરા અને હિરેન દેવડિયાની ધરપકડ થઈ છે. મુખ્ય આરોપી તેજલ છૈયા હાલ પણ ફરાર છે અને પોલીસ તેને પકડવા માટે તજવીજ કરી રહી છે.
પદ્મિનીબા વાળાનું નામ વિવાદોમાં
ઉલ્લેખનીય છે કે, પદ્મિનીબા વાળા અગાઉ ક્ષત્રિય આંદોલન દરમિયાન ચર્ચામાં આવી હતી અને રાજકીય રીતે પણ વિવાદાસ્પદ રહી છે. આ કેસમાં તેમની પણ ષડયંત્રમાં સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે, તેમ છતાં પદ્મિનીબાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.હાલમાં વધુ એક વળતી કાર્યવાહી તરીકે મુખ્ય આરોપી તેજલબેન છૈયાએ પણ ફરિયાદી રમેશ અમરેલિયા સામે વિડિઓ કોલમાં અશ્લીલ માંગણીઓ કરવાનો આક્ષેપ લગાવતા પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસ ચાલુ
ગોંડલ પોલીસ હવે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. હનીટ્રેપના આ કેસમાં અત્યાર સુધી થયેલી ધરપકડો અને વળતી ફરિયાદના પગલે સમગ્ર મામલે નવાં વળાંકો આવવાની શક્યતા છે.