Pakistan T20 World Cup Boycott આગામી ટી20 વર્લ્ડ કપમાં જેની આખું વિશ્વ રાહ જોઈ રહ્યું છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વોલ્ટેજ મુકાબલો હવે વિવાદોમાં સપડાયો છે. પાકિસ્તાન સરકારે ૧૫ ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારા આ મુકાબલાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જો પાકિસ્તાન આ નિર્ણય પર અડગ રહેશે, તો ક્રિકેટ જગતને અંદાજે ૨૫ કરોડ ડોલર (રૂ. ૨૨૦૦ કરોડથી વધુ) નું જંગી નાણાકીય નુકસાન વેઠવાનો વારો આવશે.
Pakistan T20 World Cup Boycott જાહેરાતો અને પ્રસારણ અધિકારો ફટકો
ભારત-પાકિસ્તાન મેચ માત્ર રમત નથી પણ એક મોટો બિઝનેસ છે. આ મેચ રદ થવાથી સૌથી વધુ નુકસાન પ્રસારણકર્તાઓને થશે
જિયોસ્ટારને ફટકો: ભારતીય મીડિયા અધિકાર ધારક જિયોસ્ટારને માત્ર આ એક મેચમાંથી અંદાજે ૨૦૦ થી ૨૫૦ કરોડ રૂપિયા ની જાહેરાતની આવક ગુમાવવી પડી શકે છે.
જાહેરાતના ભાવ: આ મુકાબલા દરમિયાન માત્ર ૧૦ સેકન્ડની એડ સ્લોટની કિંમત ૪૦ લાખ રૂપિયા સુધી હોય છે.
પીસીબીની સ્થિતિ: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ની વાર્ષિક આવક ૩.૫૫ કરોડ ડોલર છે, જ્યારે આ એક મેચની કિંમત ૨૫ કરોડ ડોલર છે. આમ, પાકિસ્તાન માટે આ નિર્ણય આર્થિક રીતે આત્મઘાતી સાબિત થઈ શકે છે.
ICC ની કડક ચેતવણી
પાકિસ્તાનના આ વલણ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ નારાજગી વ્યક્ત કરી છે. ICC એ જણાવ્યું છે કે, કોઈ પણ વૈશ્વિક સ્પર્ધામાં આવી રીતે ‘પસંદગીના બહિષ્કાર’ નું વલણ ખેલદિલીની ભાવનાને ઠેસ પહોંચાડે છે. જો પાકિસ્તાન મેચ રમવા નહીં આવે તો ભારતને ‘વોકઓવર’ ના પોઈન્ટ્સ મળી જશે, પરંતુ પાકિસ્તાન બોર્ડ પર ભારે આર્થિક દંડ પણ થઈ શકે છે.
કેમ શરૂ થયો આ વિવાદ?
આ વિવાદના મૂળ બાંગ્લાદેશમાં છે. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને બીસીસીઆઈના નિર્દેશ પર આઈપીએલમાંથી હટાવવામાં આવ્યા બાદ વિવાદ વકર્યો હતો. બાંગ્લાદેશે સુરક્ષાના કારણોસર ભારત આવવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરી તેની જગ્યાએ સ્કોટલેન્ડ ને સામેલ કરવામાં આવ્યું છે. હવે પાકિસ્તાને પણ આ જ માર્ગ અપનાવતા ક્રિકેટ ચાહકોમાં નિરાશા છે.
આ પણ વાંચો: ભારતે ત્રીજી ટી-20માં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવી T20I શ્રેણીમાં 2-1ની લીડ મેળવી

